અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા દાહોદના વાંદરીયા ગામના ત્રણ મૃતક શ્રમીકોને વતન લવાયાં : એકસાથે ત્રણેયની અંતિમ યાત્રા નીકળતાં આખું ગામ હીબકે ચઢ્યું
દાહોદ તા.૨૮
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ડી.પી.એસ સ્કૂલ પાસે ગટરમાં સફાઇ કરવા ઉતરેલા કામદારો ઝેરી ગેસથી ગુંગળાતાં ત્રણેય મજુરોના મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને આજરોજ આ ત્રણેય મજુરોના મૃતદેહોને દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના વાંદરીયા ગામે પોતાના વતનમાં લાવવામાં આવ્યાં હતાં અને જ્યાં ત્રણેય મજુરોના મૃતદેહોની એકસાથે અંતિમ યાત્રા નીકળતાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.
દાહોદ જિલ્લાના તાલુકાના વાંદરીયા ગામના નીશાળ હોળી ફળીયાના રેહવાસી ભરતભાઇ મનુભાઈ મેડા, રાજેશભાઈ કનુભાઈ મેડા અને સંદીપભાઈ કનુભાઈ મેડા સહીત ત્રણ કામદારો પરીવાર સાથે યોગી કન્ટ્રકશનમાં કામ કરતાં હતાં. ગઈકાલે અમદાવાદના બોપલ વિસ્તારમાં ડ્રેનજ લાઈનની કામગીરી ચાલી રહી હતી તેમાં આ ત્રણ કામદારો પણ સામે હતાં. આ દરમિયાન લાઈન ચાલુ કરવાની હતી અને પાઈપમાં કચરો ભરાઈ ગયો હતો જેથી એક મજૂર ડ્રેનેજમાં ઉતર્યો હતો. ડ્રેનેજમાં ઉતર્યાં બાદ થોડી વારમાં ગૂંગળામણને કારણે મજૂર અંદર બેભાન થયો હતો જેના લીધે તેને બચાવવા માટે બે મજૂરો ઉતર્યાં હતાં. ત્રણેય મજુરોના ગુંગળામણના કારણે મોત નીપજ્યાં હતાં જેમાં પ્રથમ બે મજુરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતાં અને ત્રીજા એક મજુરના મૃતદેહને ભારે જહેમત બાદ ફાયર ફાઈટરના બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યાં હતાં.
આ ઘટનાને પગલે ત્રણેય મજુરોના પરિવારજનો સહિત દાહોદ જિલ્લામાં તેમના વતનમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. ત્રણેય મૃતક મજુરોને આજરોદ તેઓને પોતાના વતન દાહોદના વાંદરીયા ગામે લાવવામાં આવ્યાં હતાં જ્યાં પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો. એક સાથે ત્રણેય મજુરોની અંતિમ યાત્રા નીકળતાં આખું ગામ કીબકે ચઢ્યું હતું. પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.