દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના અકાળે મોત : પરિવારમાં માતમ છવાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ સર્જાયેલ માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ જણાના અકાળે મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સંબંધે જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ગામડી ગામે રોડ પર બનવા પામ્યો હતો જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સરસાવ ગામે રહેતાં અમીતભાઈ છત્રાભાઈ પટેલ અને તેમની સાથે પુષ્પાબેન ઉર્ફે જલીબેન (ઉ.વ.૧૬) એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ગામડી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન અણીતભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી જેને પગલે પાછળ બેઠેલ ૧૬ વર્ષીય પુષ્પાબેન ઉર્ફે જલીબેન મોટરસાઈકલ પરથી ફંગોળાઈ રોડની સાઈડમાં આવેલ લોખંડના થાંભલા સાથે ધડાકાભેર અથડાતાં તેઓને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામે સુથાર ફળિયામાં રહેતાં મહેશભાઈ રતનભાઈ બારીયાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવદેવગઢ બારીઆ તાલુકાના કાળી ડુંગરી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૮મી ઓગષ્ટના રોજ એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે કાળી ડુંગરી ગામે રોડની સાઈડમાં ઘરોમાં રહેતાં કેટલાંક વ્યક્તિઓ ઘરના આંગણામાં બેઠા હતાં ત્યારે ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક આંગણામાં ઘુસાડી દેતાં આંગણામાં બેઠેલા વ્યક્તિઓ પૈકી ચંપાબેન રમણભાઈ પટેલ (ઉ.વ.૫૦, રહે. કાળી ડુંગરી) ઉપર ટ્રકના પૈડા ચઢાવી દેતાં તેઓનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય વ્યક્તિઓને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે કાળી ડુંગરી ગામે ઝોરા ફળિયામાં રહેતાં રમણભાઈ ભુરાભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ ઝાલોદ તાલુકાના લીમડી હાઈવે રોડ પર સાંપોઈ ગામ તરફ બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૮મી ઓગષ્ટના રોજ એક મોટરસાઈકલના ચાલકે અને એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાના વાહનો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ એક બુલેટ મોટરસાઈકલના ચાલક ભરતભાઈ (રહે.સાંપાઈ, મંદિર ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) ને અડફેટમાં લેતાં ભરતભાઈ પોતાની બુલેટ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે સાંપોઈ ગામે મંદિર ફળિયામાં રહેતાં છગનભાઈ તેજાભાઈ આમલીયારે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.