શિક્ષક માતૃહદયથી બાળકને શિક્ષણ આપે છે, ક્ષણે-ક્ષણે શિક્ષણ આપે તે શિક્ષક : રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ : શિક્ષક દિન નિમિત્તે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાના ૧૪ શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક-પ્રશસ્તિપત્ર આપી બહુમાન

દાહોદ તા.૦૫

બાળકોના સર્વાંગી વિકાસમાં તેમના શિક્ષકોના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરતા રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબેડ જણાવ્યું કે, શિક્ષણ અને શિક્ષકોની બાબત રાજ્ય સરકાર માટે હંમેશા અગ્રતાના ક્રમે રહી છે. રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેવાની સાથે તેમનામાં ચારિત્ર્ય નિર્માણ થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ ખૂટતી કડીઓ પૂરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ૧૪ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાના કાર્યક્રમમાં પ્રારંભે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું સ્મરણ કર્યા બાદ શ્રી ખાબડે ઉક્ત બાબતમાં ઉમેર્યું કે, શિક્ષક માતૃહદયથી બાળકને શિક્ષણ આપે છે. ક્ષણે-ક્ષણે શિક્ષણ આપે તે શિક્ષક છે. બાળકોના જીવનને જ્ઞાનથી શણગારવાનું કામ એક શિક્ષક જ કરી શકે છે.
ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યું કે, બાળક જ્યારે શાળામાં આવે ત્યારે તેમના જીવનપથમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાના યજ્ઞનો પ્રારંભ થાય છે. શિક્ષક માત્ર બાળકને જ્ઞાન જ નહીં, તેમના ચારિત્ર્યના નિર્માણનો પાયો પણ શિક્ષક દ્વારા નાખવામાં આવતો હોય છે. શિક્ષણ કર્મ કંઇ નાનુસુનુ નથી. શિક્ષકનું સ્થાન પણ આપણા સમાજમાં સૌથી ઊંચુ છે અને શિક્ષકની પાસે તમામ પદ નાના છે. બાળક શિક્ષકમાં વિશ્વાસ મૂકે અને શિક્ષક તે બાળકમાં આત્મવિશ્વાસ ભરવાનું કાર્ય કરે છે.
શ્રી બચુભાઇ ખાબડે એમ પણ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં ખૂટતી તમામ કડીઓ પૂર્ણ કરવામાં આવી છે. દાહોદ જેવા છેવાડાના જિલ્લામાં આંગણવાડીથી માંડીને ઇજનેરી, તબીબી કોલેજ સુધી અભ્યાસ કરવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવા ઓરડાઓનું નિર્માણ, સ્માર્ટ ક્લાસીસ, નવા શિક્ષકોની ભરતી કરી શિક્ષણ માટેની તમામ ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. શિક્ષકોની માંગણીઓને પણ રાજ્ય સરકારએ ઉદ્દાતભાવે સ્વીકારી છે. હવે નવા ભારતના નિર્માણનું મહાકાર્ય શિક્ષકોના હાથમાં છે, એમ શ્રી ખાબડે અંતે ઉમેર્યું હતું.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આ અવસરે જણાવ્યું કે, બાળકોના સર્વાંગી વિકાસમાં સામુહિક પ્રયાસો અનિવાર્ય છે. કોઇ એકલી રાજ્ય સરકારથી આ કાર્ય થઇ શકે નહીં. સરકારો શિક્ષકોની ભરતી કરી દે, શાળાઓમાં ભૌતિક સુવિધાઓ આપે પણ શિક્ષક જ બાળકોને જ્ઞાન આપી શકે છે. એથી શિક્ષકનું મહાત્મ્ય ઓછું આંકી શકાય નહીં. ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અનન્ય છે.
શ્રી ભાભોરે એમ પણ કહ્યું કે, પૂર્વ વડા પ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી, વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી શિક્ષણને ખૂબ જ મહત્વ આપી છે. શિક્ષણ પ્રણાલીમાં ગુણાત્મક પરિવર્તન આવે તે માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના કારણે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ અંગ્રેજી કહેવતને ટાંકતા જણાવ્યું કે, સારા શિક્ષક અભ્યાસ કરાવે છે, તેના શિક્ષક અભ્યાસને વર્ણવે અને શ્રેષ્ઠ શિક્ષક બાળકને પ્રેરણા આપે છે. દાહોદ જેવા મહત્વાકાંક્ષી જિલ્લામાં બાળકોના શિક્ષણનું મહત્વ વધુ છે. શિક્ષક થકી જ સમાજનો વિકાસ થઇ શકશે, એથી શિક્ષકોનું સમાજમાં યોગદાન મહત્વનું છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. તમામ મહાનુભાવોએ એક સૂરે શિક્ષણકર્મને બિરદાવ્યું છે.
આ વેળાએ શ્રી હિતેશ પટેલ, શ્રી રવીન્દ્ર પ્રજાપતિ, શ્રી ચંદુભાઇ ભાભોર, સુશ્રી નિલમ જાદવ, શ્રી નરેશ મકવાણા, શ્રી વિષ્ણુ જોશી, શ્રી અજય પાટડિયા, શ્રી શંકર કટારા, શ્રી કિશોર રાઠોડ, શ્રી ભદ્રેશ સથવારા, શ્રી રાજેશ બારિયા, શ્રી જયપ્રકાશ પટેલ, શ્રી નરસિંહ પ્રજાપતિ અને શ્રી ભરત પટેલનું પારિતોષિક, પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે, સરકારી શાળાઓના તેજસ્વી છાત્રોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગમાં ઉભી કરાયેલી સુવિધા સંદર્ભની દસ્તાવેજી ચલચિત્રનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આભારવિધિ જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલ દવેએ કરી હતી.
કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, નગરપાલિકાના પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સરતાનભાઇ ચૌહાણ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રફુલભાઇ ડામોર, સદસ્યા શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, અગ્રણી શ્રી નરેન્દ્રભાઇ સોની, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી ગોપાલભાઇ ધાનકા, ડાયેટ પ્રાચાર્ય શ્રી એસ.વી. રાજશાખા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મયુર પારેખ, શિક્ષક સંઘના શ્રી સુરતાનભાઇ કટારા, શ્રી બળવંતભાઇ ડાંગર, શ્રી હસમુખભાઇ પંચાલ, શ્રી નિતેશભાઇ પટેલ સહિત ગુરુગણ ઉપસ્થિત હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: