પાકિસ્તાનની નવી ચાલ અફધાનિસ્તાન પર નિયંત્રણ રાખવા તાલિબાનીઓને પાકિસ્તાની ચલણ આપશે
(જી.એન.એસ) , નવી દિલ્હી , તા.૧૦
પાકિસ્તાનના કેન્દ્રીય નાણા મંત્રી શૌકત તારિને ગુરૂવારે જણાવ્યું કે, તેમની સરકારે અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાની મુદ્રામાં વેપાર કરવાનો ર્નિણય લીધો છે. તારિને જણાવ્યું કે, અફઘાનિસ્તાન પાસે ડોલરની ઉણપ છે માટે પાકિસ્તાન પોતાની જ મુદ્રામાં વેપાર કરશે. શૌકતે જણાવ્યું કે, અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનના અર્થતંત્રને ફરી પાટે ચઢાવવા માટે પાકિસ્તાન ત્યાં એક ટીમ પણ મોકલી શકે છે. હકીકતે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ સહિત અનેક સંસ્થાઓએ અફઘાનિસ્તાનને આપવામાં આવતું ફન્ડિંગ અટકાવી દીધું છે અને તેની સંપત્તિઓ પણ ફ્રીઝ કરી દીધી છે. આ કારણે તાલિબાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જાેકે પાકિસ્તાનના અર્થતંત્રની સ્થિતિ પણ કાંઈ સારી નથી. પાકિસ્તાની નાણા મંત્રી તારિને કહ્યું કે, પાકિસ્તાનને થોડા સમયમાં જ અફઘાનિસ્તાન સાથેના વેપારના પરિણામો દેખાવા લાગશે. સરકાર પાકિસ્તાનના જીડીપી ગ્રોથને વર્તમાન નાણાકીય વર્ષમાં ૪ ટકાથી વધારીને ૪.૮ ટકા કરવા માગે છે. ૨૦૧૮-૨૦૧૯માં પાકિસ્તાની રૂપિયાના અવમૂલ્યનથી અર્થતંત્ર પર ખરાબ અસર પડી. હાલ એક ડોલરની કિંમત ૧૬૯ પાકિસ્તાની રૂપિયા છે.પાકિસ્તાન શરૂઆતથી જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને ખુલીને સમર્થન આપી રહ્યું છે. બીજી બાજુ તાલિબાન પણ પાકિસ્તાનને પોતાનું બીજું ઘર ગણાવી રહ્યું છે. હવે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે પોતાની મુદ્રામાં જ વેપાર શરૂ કરવાની વાત કરી છે.

