તાલિબાની સરકારનું ફરમાન મહિલાઓ માત્ર બાળકો પેદા કરે : મંત્રી ના બની શકે
(જી.એન.એસ) , કાબુલ , તા.૧૦
તાલિબાનોના શાસનમાં સમાવેશક સરકારમાં ભાગીદારી માટે કાબુલમાં સેંકડો મહિલાઓ દેખાવો કરી રહી છે ત્યારે સૃથાનિક મીડિયા ટોલો ન્યૂઝે તાલિબાનના પ્રવક્તાને ટાંકીને ટ્વીટ કરી કહ્યું કે, ‘એક મહિલા મંત્રી હોઈ શકે નહીં. મહિલાઓ માટે કેબિનેટમાં હોવું જરૂરી નથી. મહિલાઓનું કામ માત્ર બાળકો પેદા કરવાનું છે. કાબુલમાં દેખાવો કરી રહેલી મહિલાઓ આખા અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ નથી કરતી.’ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવતાં જ સામાન્ય લોકોમાં ભારે ડર ફેલાયેલો હતો. બે દાયકા પહેલાંનું તાલિબાની શાસન જાેઈ ચૂકેલી મહિલાઓ ખાસ કરીને ગભરાયેલી હતી. બીજીબાજુ તાલિબાનોના શાસનમાં સરકારી ઓફિસોમાં ટેબલ પર બંદૂકો જાેવા મળશે તેવી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી તસવીરો અફઘાનિસ્તાનમાં વાસ્તવિક્તા બનતી હોય તેવું જણાઈ રહ્યું છે. ભારતમાં રિઝર્વ બેન્ક હોય તેવી અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્ક (ડીએબી)ના બંદૂકધારી ગવર્નર હાજી મોહમ્મદ ઈદરિસની તસવીર વાઈરલ થઈ રહી છે. તે ઓફિસમાં બેસીને લેપટોપ ચલાવી રહ્યા છે અને તેમની બાજુમાં ટેબલ પર મશીનગન પણ મૂકેલી છે.અફઘાનિસ્તાનમાં આખરે જેનો ડર હતો તે સાચો સાબિત થઈ રહ્યો છે. તાલિબાનોની વચગાળાની સરકારની રચના પછી મહિલાઓ સરકારમાં ભાગીદારી માટે દેખાવો કરી રહી છે ત્યારે સૃથાનિક મીડિયાએ તાલિબાનના પ્રવક્તાને ટાંકીને દાવો કર્યો છે કે તાલિબાન સરકારમાં મહિલાઓને ક્યારેય મંત્રી બનાવાશે નહીં. તેમનું કામ માત્ર બાળકો પેદા કરવાનું છે. અફઘાનિસ્તાનમાં કાબુલ કબજે કર્યા પછી સમાવેશક સરકાર બનાવવાનો અને મહિલાઓને પણ પૂરતી છૂટ આપવાનો દાવો કરનારા તાલિબાનોએ વચગાળાની સરકારની જાહેરાત કરવાની સાથે જ તેમની કટ્ટરવાદી માનસિક્તા સામે આવવા લાગી છે.

