પોતાના સ્વજનોથી વિખુટા પડેલ બિહારના વ્યક્તિનું પાંચ વર્ષ બાદ પરિવાર સાથે મિલન
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧પ
છેલ્લા પાંચ વર્ષથી પોતાના સ્વજનોથી વિખુટા પડેલ બિહારના એક ઈસમને સાગટાળા પોલીસ અથાગ પ્રયાસ કરી તેના સગાભાઈ તથા કુટુંબીજનો સાથે મેળાપ કરાવતા ખુશીનો માહોલ બનવા પામ્યો હતો.
ગત તા.૧૦.૯.ર૦ર૧ના રોજ સાગટાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ એ રાઠવા તથા એ એસ આઈ દિનેશભાઈ રામાભાઈ સહિતની ટીમ સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા નીકળ્યા હતા અને ફરતા ફરતા બારા કાસરીયા ગામેથી પસાર થતા વરસાદી માહોલમાં એક ઈસમ જાહેર રોડ પર ગાંડા જેવી હરકત કરતો વરસાદમા પલળતો જતો હતો તેની પાસે પોલીસે ઉભા રહી પુછપરછ કરતા તેને પોતાનું નામ સીતારામ યાદવ બિહાર રાજ્યનો હોવાનું જણાવ્યું હતુ. તે બિહારી ભાષા બોલતો હોઈ પોલીસે તેને પોલીસના સરકારી વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશને લાવવામા આવ્યો હતો. તેની તબીયત નાદુરસ્ત હોવાથી તેને માંડવ સરકારી દવાખાને લઈ જઈ સારવાર કરાવવામાં આવી હતી ત્યાર બાદ વિગતે પુછતા તે બિહાર રાજ્યના નાલંદા બલબાવર નારાટી ગામનો હોવાનું જણાવતો હોવાથી તેની ટેકનીકલ માધ્યમથી તપાસ થર્થરી પોલીસ સ્ટેશનનો નંબર મળતા આ અંગે ખરાઈ કરતા સદર ઈસમ બલપાલટ નારારી જિલ્લા નાલંદા રાજ્ય બિહારનો હોવાનું જણાઈ આવેલ જેથી થર્થરી થાણાના અધિકારીના મોબાઈલ ઉપર વોટસઅપ માધ્યમથી મળી આવેલ ઈસમનો ફોટો મોકલી તપાસ કરાવતા મળી આવેલ ઈસમના ભાઈ છોટુન પ્રસાદ યાદ અને તેમના સમાજના સંજય બહાદુર પ્રસાદ યાદવ એમ બંને જણા સીતારામ યાદવને અત્રે લેવા આવ્યા હતા. પોલીસે તેઓને સુપરત કરતા છેલ્લા પાંચ વર્ષથી બિહારના વિખુટા પડેલ ઈસમને તેના પરિવાર સાથે મિલન કરાવતા તે કુટુંબના માણસોના ચહેરા પર ખુશી છવાઈ જવા પામી હતી અને તેઓએ સાગટાળા પોલીસને ખુબ ખુબ આભાર માન્યો હતો.