દાહોદ જિલ્લામાં ‘ગરીબોની બેલી સરકાર’ અંતર્ગત ગરીબ હિતલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાયા : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ નો દાહોદ જિલ્લામાં પ્રારંભ કરાવતા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઇ મકવાણા

જિલ્લાના ૧૭૧૯૨ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં સમાવેશ કરાયો

પ્રભારીમંત્રીશ્રીએ સ્વચ્છ ભારત મિશનનાં બીજા તબક્કા હેઠળ ૧૦૦ દિવસીય અભિયાનનો પણ જિલ્લામાં કરાવ્યો આરંભ

દાહોદ, તા. ૧૭ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે દાહોદ જિલ્લામાં ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ તમામ તાલુકાઓ સહિત સમગ્ર જિલ્લામાં યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત દાહોદ નગરમાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવનિયુક્ત સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઇ મકવાણાએ જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ નો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત રાજ્યમંત્રીશ્રીએ સ્વચ્છ ભારત મિશનનાં બીજા તબક્કા હેઠળ ૧૦૦ દિવસીય અભિયાનનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજનાના ૭૫ લાભાર્થીઓને સીધી સહાય તેમના ખાતામાં જમા કરવામાં આવી હતી. તેમજ જે ગામનું ૧૦૦ ટકા કોરોના રસીકરણ થયું હોય તેવા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીશ્રીનાં જન્મદિવસે સભાસ્થળે સંબોધન કરતાં પ્રભારી મંત્રી શ્રી મકવાણાએ જણાવ્યું કે, ગ્રામ્યવિસ્તારોનો સંપૂર્ણ વિકાસ થાય એ માટે સરકાર કટિબદ્ધ છે. દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ ૧,૮૩,૩૦૧ પરિવારોએ લીધો છે. જયારે આ યોજનાના બીજા તબક્કાનો અહીંથી આરંભ કરાવતા એ વાતનો ખાસ ઉલ્લેખ કરીશ કે જિલ્લાના નવા ૧૭૧૯૨ પરિવારોને આ યોજનાના બીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવશે અને આજે જ જિલ્લાનાં ૧૮૦૦ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લામાં સ્વચ્છ ભારત મિશનનાં બીજા તબક્કાનો પણ આજથી પ્રારંભ કરવામાં આવે છે. આ બીજા તબક્કામાં જિલ્લામાં ૧૦૦ દિવસ સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. જેમાં ગામોને ઓડીએફ પ્લસ બનાવવાનો લક્ષ્યાંક છે. આ ૧૦૦ દિવસમાં ૧૩ હજાર સુધીના વ્યક્તિગત શોકપીટ બનાવશે. જે અનુસંધાને ૨૦૦૦ શોકપીટને વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તેમજ ગામ દીઠ ૫ સામુહિક શોકપીટ બનાવાશે. જેમાં ૧૫૦ ને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.
તેમણે આજના મહારસીકરણ અભિયાન વિશે આહ્વાન કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ૮૫ ટકાથી વધુ લોકોએ કોરોનાની વેક્સિન લઇ લીધી છે ત્યારે આજનાં દિવસે ૯૯ હજાર લોકોને વેક્સિન આપવાના અભિયાનને સફળતા મળે એ માટે જનસહયોગ આવશ્યક છે.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રધાનમંત્રીશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૫૨૨૧ કરોડનાં જનવિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ કૃષિમહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, જયોતિગ્રામ યોજના, વનબંધુ યોજના જેવી અનેક યોજનાઓની શરૂઆત કરાવીને ગુજરાતનાં ગ્રોથ એન્જિનને ધમધમતું રાખ્યું છે. દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રીએ પીવાના તેમજ સિંચાઇના પાણીની યોજનાઓ, સ્માર્ટ સીટી, મેડીકલ કોલેજ વગેરે દ્વારા જિલ્લાના વિકાસને નવો આયામ આપ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજનાના લાભાર્થીઓને સીધી સહાય આપવામાં આવી હતી. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી.
પ્રભારી મંત્રી શ્રી મકવાણાએ ગૌશાળાની તેમજ બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ત્યાં અપાતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જિલ્લામાં યોજનારા વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનો પરિચય આપ્યો હતો.
આ વેળા જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, અગ્રણી શ્રી સુધીરભાઇ, શ્રી શંકરભાઇ અમલિયાર, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, ડેપ્યુટી કલેક્લર શ્રી રાજેન્દ્ર ગામેતી, પ્રાંત અધિકારી શ્રી એમ.એમ. ગણાસવા તેમજ નગરપાલિકાના સભ્યશ્રીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: