અગલે બરસ તું જલ્દી આ.. ના નાદથી દાહોદ શહેર સહિત જિલ્લામાં ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય અપાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
ગણપત બાપ્પા મોરીયા અગલે બરસ તુ જલ્દી આ… ના નાદથી સમગ્ર દાહોદ શહેરનું વાતાવરણ આજે ગુંજી ઉઠ્યું હતું. છેલ્લા દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજરોજ દુંદાળા દેવ ભગવાન ગણપતિએ દાહોદ શહેર સહિત જિલ્લામાંથી ભાવભીની વિદાય લીધી હતી. ગણેશ ભક્તો દ્વારા ગણપતિને વાજતે ગાજતે, ઢોલ નગારાના નાદે આવતા વર્ષના પુનઃ આગમન સાથે ભગવાન ગણપતિ દાદાને વિદાય આપી હતી. દાહોદ શહેરના ઝાબ તળાવ ખાતે વિસર્જન માટે પ્રતિબંધ હોવાને કારણે ગણેશ મંડળો દ્વારા પોતાના વિસ્તારામાં નજીકમાં આવેલ જળાશયોમાં ગણપતિની પ્રતિમાને વિસર્જીત કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપુર્ણ માહોલમાં આજે ગણેશ વિસર્જન થયું હતું.
ડી.જે. જેવા મ્યુઝીક સિસ્ટમો પર આ વર્ષે પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. લગભગ તેનું કારણ એ છે કે, હાલ કોરોના મહામારીના સમયે લોકોની મોટી સંખ્યામાં ભીડ એકઠી ન થાય જેના કારણે કોરોના સામે સાવચેતીના ભાગરૂપે ડી.જે. જેવા સિસ્ટમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ આજે ગણપતિ દાદાના વિસર્જન ટાણે પણ ડી.જે. સિસ્ટમો ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. ગણેશ મંડળો દ્વારા ઢોલ નગારાના તાલે ગણપતિ દાદાને ભાવભીની વિદાય આપી હતી. મોટા ગણેશ મંડળોમાં ૧૫ થી વધુ વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી ન હતી ત્યારે ઘરે ઘરે બિરાજમાન ગણપતિ દાદાને લોકો ઘરમાંજ વિસર્જન કર્યાં હતાં. દાહોદ શહેરના ઝાબ તળાવને છોડી નજીકમાં આવેલ, કાળીડેમ, સંગમ નદી, મુવાલીયા જળાશય તેમજ આસપાસના નાના તળાવો તેમજ જળાશયોમાં મોટા ગણેશ મંડળો દ્વારા પોત પોતાના ગણેશજીની પ્રતિમાને વિસર્જીત કર્યાં હતાં. દાહોદ શહેરમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ નજરે પડ્યો હતો. એક તરફ ગણપતિ દાદાનું વિસર્જન અને બીજી તરફ વરસાદી માહૌલ વચ્ચે ગણપતિ દાદાએ વિદાય લીધી હતી.