દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંયોજક સંવાદના કાર્યક્રમનું આયોજન કરાયું : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની ઉપસ્થિતી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ દાહોદ શહેરમાં સંયોજક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખ દ્વારા ભાજપની સરકાર સામે અનેક પ્રહાર કર્યા હતા અને ભાજપની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા આજરોજ સંયોજક સંવાદ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યા અનુસાર, તેઓએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, દેશના સમગ્ર લોકો આજે ભારતીય જનતા પાર્ટીના શાસનથી હેરાન પરેશાન છે, સરકારના અણઘડ વહીવટ અને નિષ્ફળતાના કારણે ગુનાહિત બેદરકારીના કારણે કોરોના કાળ દરમિયાન ત્રણ લાખ કરતાં વધારે લોકો ના મોત નિપજ્યા છે. લોકો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. મોંઘવારી મુદ્દે પણ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, અસહ્ય મોંઘવારીને કારણે ગરીબ તેમજ મધ્યમ વર્ગનો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેઓને પોતાની આજીવિકા ચલાવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને લઇને પણ ભાજપ સરકાર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે, ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. અપહરણ, બળાત્કાર, હત્યા જેવા બનાવો પણ વધી રહ્યા છે. ગુજરાતમાં ખુલ્લેઆમ કાયદો અને પરિસ્થિતિ કથળી ગઇ છે. ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સમાજના તમામ વર્ગના લોકો માટે જીવન કેવી રીતે જીવવું તે માટે સંઘર્ષ કરી રહ્યા છે જે માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સંયોજક સંવાદ કાર્યક્રમના માધ્યમથી ઝાલોદ તાલુકામાંથી પસાર થતો મુંબઈ નેશનલ કોરિડોર હાઇવેનો પણ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોની જમીનો હડપ કરવામાં આવી રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. દાહોદ સ્માર્ટ સિટી મામલે પણ મુદ્દો ઉઠાવ્યો હતો અને જેમાં જણાવ્યું હતું કે, દાહોદ શહેરમાં સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેની સામે પણ લોક જાગૃતિ આવે, ખેડૂતોના પ્રશ્નો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો તે તમામ દાહોદ જિલ્લાના લોકોની જે સમસ્યા છે તેને વાચા આપવાનું કામ આવનારા સમયમાં કોંગ્રેસના સંયોજકો, કોંગ્રેસના કાર્યકરો ઘરે ઘરે પહોંચીને કરશે તેમ જણાવ્યું હતું.