દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક મહિલા સહિત બેના મોત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા અને ફતેપુરા તાલુકામાં માર્ગ અકસ્માતના સર્જાયેલ બે બનાવોમાં એક મહિલા સહિત બે જણાના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે હાઈવે રોડ પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૫મી સપ્ટેમ્બરના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે ત્યાંથી ચાલતા પસાર થઈ રહેલા ૩૫ વર્ષીય ગોપાળભાઈ રામાભાઈ ચૌહાણ (રહે.પાલ્લી, પટેલ ફળિયા, લીમખેડા) ને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી અજાણ્યા વાહનનો ચાલક નાસી જતાં ગોપાળભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે પાલ્લી ગામે પટેલ ફળિયામાં રહેતાં ગમીરભાઈ છગનભાઈ ચૌહાણ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ફતેપુરા તાલુકાના સુખસર ગામે નિશાળ ફળિયામાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૬મી સપ્ટેમ્બરના રોજ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે તળગામ ફળિયામાં રહેતાં ભરતભાઈ વરસીંગભાઈ અમલીયાર અને તેમની સાથે રમીલાબેન એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન ભરતભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પાછળ બેઠેલ રમીલાબેનને ચાલુ મોટરસાઈકલ પરથી નીચે પાડી દેતાં રમીલાબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી જેને પગલે તેઓનું મોત નીપજતાં આ સંબંધે સાગડાપાડા ગામે તળગામ ફળિયામાં રહેતાં સંજયભાઈ ભરતભાઈ અમલીયારે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

