દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે ડિપડાને બાંધી રંજાડીત કરતાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે ખેતરમાં દિપડો ઘુસી જતાં આ દિપડાને ગામ લોકો દ્વારા પકડી પાડી તેને દોરડાથી બાંધી દીધો હતો અને ત્યાર બાદ દિપડાને રંજાડી ઈજા પણ પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ પણ થયો હતો અને આ બનાવની ઘટનાને ગંભીરતાથી લઈ ધાનપુર ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક એક્શન લઈ આ બનાવમાં સામેલ ત્રણ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત તા.૨૫મી સપ્ટેમ્બરના રોજ સવારમાં ધાનપુર ફોરેસ્ટ સ્ટાફને ટેલીફોનીક મેસેજથી જાણવા મળ્યું હતું કે, દુધામલી ગામે ખેતરમાં દિપડો ખુસ્યો છે તેની જાણ થતાં સ્થાનીક રોજમદાર તથા બીટગાર્ડ દિપડાની તપાસ કરવા ગયાં હતાં જ્યાં રોજમદાર અમરસિંહ કાનજીભાઈ બારીયા ઉપર દિપડાએ ઓચિંતો હુમલો કરતાં અમરસિંહભાઈને ધાનપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. આ બાદ ગ્રામજનો દ્વારા દિપડાને પકડી લઈ લાકડીઓની મદદથી દોરડાથી બાંધી દિપડાને રંજાડી ઈજા પણ પહોંચાડી હતી પરંતુ તે સમયે લાકડી છુટી જતાં અને દિપડાએ અમરસીંગભાઈ હિરાભાઈ મોહનીયા, ભુરાભાઈ માનસીંગભાઈ સંગાડાને ઈજા પહોંચાડી ડાંગરવાળા ખેતરમાં દિપડો ઘુસી ગયો હતો. થોડીવારમાં ધાનપુર ફોરેસ્ટ ખાતાના અધિકારી કર્મચારીઓ સાથે દોડી આવ્યાં હતાં અને દિપડાને ડાંગરવાળા ખેતરમાંથી ભારે જહેમત બાદ રેશ્ક્યું કરી ઝડપી પાડ્યો હતો. દિપડાને ઝડપી પાડ્યાં બાદ તેને બામરોલી નર્સરી ખાતે પ્રાથમીક સારવાર માટે મોકલી આપ્યો હતો. આ ઘટના બાદ તારીખ ૨૬મીના રોજ દિપડાને પકડી રંજડતો વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થયો હતો અને ગુન્હામાં કોની કોની સંડોવણી હોવાની તપાસ ચાલતી હતી ત્યારે વાઈરલ વિડીયોના આધારે ગામમાં રહેતાં અમરસીંગભાઈ હિરાભાઈ મહોનીયા, ભુરાભાઈ માનસીંગભાઈ સંગાડા અને રૂપસિંહ માધુભાઈ ચૌહાણની અટક કરી તેમની વિરૂધ્ધ વન્ય પ્રાણી અધિનિયમની કલમ મુજબ વિવિધ ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: