આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદ : પોલીસ દ્વારા ચતુર્વિધ કાર્યક્રમો યોજાયા : ચિત્રસ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, હથિયાર પ્રદર્શન અને સાંગીતિક કાર્યક્રમનું આયોજન થયું
આઝાદી કા અમૃત મહોત્સવ અને પોલીસ સ્મૃતિ દિન અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ચતુર્વિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં સ્વતંત્રતાનું મહાત્મ્ય કાયમ રહે તે માટે વિવિધ રચનાત્મક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
દાહોદ પોલીસના મુખ્ય મથક ખાતે ગત્ત રવિવારના રોજ સવારમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૨૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને વિષયાનુરૂપ સુંદર ચિત્રો સર્જ્યા હતા. એ બાદ મધ્યાહન પછીના સમય દરમિયાન વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શાળા કક્ષાએ પસંદ થયેલા ૧૦ છાત્રોઓ રાષ્ટ્ર નિર્માણમાં પોલીસની ભૂમિકા વિશે પોતાની વકતૃત્વ કલા પ્રસ્તુત કરી હતી. આ છાત્રોના વિચારો સ્પષ્ટ અને રસપ્રદ હતી.
એ બાદ પોલીસ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ગુનાખોરીને નાબૂદ કરવા માટે પોલીસને અપાયેલા ૧૫થી વધુ પ્રકારના હથિયારોને નગરજનોએ નીહાળ્યા હતા. બાદમાં રાત્રીના દેશભક્તિના ગીતોનો સાંગીતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ વેળાએ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ, કારોબારી અધ્યક્ષ શ્રી લખનભાઇ રાજગોર, એસપી શ્રી હિતેશ જોયસર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ સોલંકી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.