દાહોદ પોલીસમાં આનંદની આતશબાજી, ૧૦૪ પોલીસકર્મીને બઢતીની ભેટ : જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે દાહોદ પોલીસના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને દિવાળી પૂર્વે જ બઢતીની ભેટ આપી
દાહોદ પોલીસ તંત્રમાં દિવાળીનો આનંદ છવાયો છે. જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે દાહોદ પોલીસમાં વિવિધ સંવર્ગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને દિવાળી પૂર્વે જ બઢતીની ભેટ આપી છે. આ ઉદ્દાત ભાવથી પોલીસ પરિવારમાં દિવાળી પર્વનો આનંદ બેવડાયો છે.
મુખ્ય મથકના નાયબ પોલીસ અધીક્ષક શ્રી પરેશ સોલંકીએ માહિતી આપતા કહ્યું છે કે, દાહોદ જિલ્લા પોલીસમાં બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૨૧ પોલીસકર્મીને એ સંવર્ગમાં આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. આ જ રીતે હથિયારી સંવર્ગમાં ૧૧ હેડ કોન્સ્ટેબલને એએસઆઇ પદે બઢતી આપવામાં આવી છે. આમ કુલ, ૩૧ પોલીસકર્મીને એએસઆઇનું પ્રમોશન અપાયું છે.
આ ઉપરાંત, પોલીસ અધીક્ષકશ્રી જોયસરે કોન્સ્ટેબલ્સને પણ ધડાધડ પ્રમોશન આપ્યા છે. જેની વિગતો જોઇએ તો બિન હથિયારી સંવર્ગમાં ૨૩ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ અને હથિયારી સંવર્ગમાં ૧૧ને આ પદ ઉપર બઢતી આપવામાં આવી છે.
આ પૂર્વે તાજેતરમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બઢતીનો એક રાઉન્ડ કાઢવામાં આવ્યો હતો. જેમાં બિન હથિયારી સંવર્ગના ૩૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા હતા.
દાહોદ પોલીસ તંત્રનો એક પણ ભાગ પ્રમોશનથી વંચિત રહ્યો નથી. આજ ધનતેરસના દિવસે પણ બે કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલના પ્રમોશન અપાયા છે. જેમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ અને અશ્વદળ વિભાગનો સમાવેશ થાય છે.
છેલ્લા એક માસ સુધી ચાલેલી વહીવટી પ્રક્રીયાને સરળ બનાવી બઢતીપાત્ર તમામ પોલીસકર્મીઓને બઢતી આપવામાં આવી છે. આમ, દાહોદ પોલીસ તંત્રએ ૧૦૪ કર્મીઓને બઢતીથી નવાજી દિવાળી સુધારી છે.