દાહોદ જિલ્લાના ગરબાડામાં ગાય ગૌહરીએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું : શ્રધ્ધાળુઓએ માનતા પુરી કરી
દાહોદ જિલ્લામા દિવાળીની ઉજવણી નોખી રીતે કરવામા આવે છે જેમા ગાય ગૌહરીની પ્રથા વિશ્વ વિખ્યાત છે. ગરબાડામા નવા વર્ષના દિવસે ગાય ગૌહરી પડવાની પ્રાચીન પરંપરા છે.ત્યારે આજે પણ ગાય ગૌહરીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
દાહોદ આદિવાસી બાહુલ જિલ્લો છે અને આદિવાસી સમાજમા લગભગ દરેક તહેવારની ઉજવણી તેઓની પરંપરા પ્રમાણે કરવામા આવે છે.દિવાળીએ આદિવાસીઓ પૂર્વજોને યાદ કરી તેમની પૂજા કરે છે.આ પૂજા જે તે પરિવારની નિશ્ચિત તિથિએ કરવામા આવે છે.જેને ઝાંપો પૂજવાની વિધિ કહેવામા આવે છે.
દિવાળી પહેલા જ આદિવાસીઓ પોતાના ગૌધનને શૃંગાર કરે છે
બીજી એક અતિ પ્રાચીન પ્રથા ગાય ગૌહરી પડવાની છે.જેમા દિવાળી પહેલા જ આદિવાસીઓ પોતાના ગૌધનને શૃંગાર કરે છે. ગાય,વાછરડાને રંગવામા આવે છે અને મોર પીછા તેમજ ઘુઘરાથી શણગારવા આવે છે. રંગ બેરંગી ફુમતા લગાવાય છે ત્યારબાદ નૂતન વર્ષની સવારે ગરબાડામાં જિલ્લાની મુખ્ય ગાય ગૌહરીનુ આયોજન કરાય છે જેમા એક ઠેકાણે ગાયોના ધણ એકઠા કરવામા આવે છે.
ઢોલ નગારાના તાલે ગાયોના ધણને દોડાવવામા આવે છે
આતશબાજી પણ કરવામા આવે છે અને ઢોલ નગારાના તાલે ગાયોના ધણને દોડાવવામા આવે છે અને દોડતી ગાયોની નીચે જમીન પર શ્રદ્ધાળુઓ ઉઘી જાય છે અને ગાયો તેમની પરથી દોડી જાય છે. જેમા ગોહરી પડનારને ઘણી વાર ઈજાઓ પણ થાય છે પરંતુ જેમણે ગોહરી પડવાની માનતા લીધી હોય તે જ દોડતી ગાયો નીચે પડે છે જો કે,હવે તેનુ સ્વરૂપ બદલાઈ ગયુ છે.આજે પણ ગરબાડામા ગાય ગૌહરીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.