દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જમીન સંબંધી મામલે ચાર ઈસમોએ ભેગા મળી એક મહિલા સહિત ત્રણને ફટકાર્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જમીન સંબંધી મામલે ચાર જણાએ એકસંપ થઈ એક મહિલા સહિત ત્રણ જણાને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી જાતિ અપમાની કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે નીચવાસ ફળિયામાં રહેતાં શૈલેષભાઈ સબુરભાઈ હઠિલા અને વાલાગોટા ગામે રહેતાં દલપતભાઈ જુવાનસિંહ બારીયા આ બંન્ને પરિવારો વચ્ચે જમીન સંબંધી વિવાદ ચાલતો હતો ત્યારે ગત તા.૨૦મી નવેમ્બરના રોજ સવારના ૧૦ વાગ્યાના આસપાસ દલપતભાઈ પોતાના પશુઓ લઈ વિવાદવાળી જમીનમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે શૈલેષભાઈના પરિવારની મહિલા સોનલબેને ત્યાંથી પસાર થવા માટે ના પાડી હતી. આ બાદ દલપતભાઈ, રણજીતભાઈ ઉર્ફે રંગીતભાઈ દલપતભાઈ બારીયા, કાળુભાઈ દલપતભાઈ બારીયા અને કનુભાઈ દલપતભાઈ બારીયાનાઓ પોતાની સાથે ધારીયું, લાકડી જેવા મારક હથિયારો સાથે સોનલબેન તથા તેમના પરિવારજનો પાસે દોડી આવ્યાં હતાં અને એકદમ ઉશ્કેરાઈ જઈ શૈલેષભાઈ, સોનલબેન અને વિનોદભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી જાતિ અપમાનીત શબ્દો બોલી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત શૈલેષભાઈ સબુરભાઈ હઠિલાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

