દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી મુક્ત-ન્યાયી-શાંત માહોલમાં યોજાઇ એ માટે જિલ્લા પોલીસ એક્શન મોડમાં : ચૂંટણીમાં કોઇ પણ પ્રકારનો વિક્ષેપ કરનારને બક્ષવામાં નહી આવે : જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર
જિલ્લા પોલીસ દ્વારા ચૂંટણીલક્ષી ૯૦ ટકા કામગીરી પૂર્ણ
ચૂંટણી સંદર્ભે ૬ વિરૂદ્ધ પાસા તેમજ ૪ વ્યક્તિને તડીપાર સહિત ૨૬૦૦ થી વધુ વ્યક્તિઓની અટકાયત
ચૂંટણી સંદર્ભે હથિયારબંઘી અંતર્ગત ૨૬૩૩ હથિયારો જમા લેવાયા
જિલ્લામાં ૧૪ ચેકપોસ્ટ કાર્યરત, પોલીસ અધિકારીઓ દ્વારા ૩૫૦ થી વધુ પંચાયતોની મુલાકાત
છેલ્લા ૧૦ દિવસમાં ૨૩ લાખથી વધુનું દારૂ પ્રોહિબિશન એક્ટ હેઠળ ઝડપી પડાયું
દાહોદ તા.૭દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જિલ્લા પોલીસ તંત્રની કામગીરી અને ચુસ્ત વ્યવસ્થા બાબતે માહિતી આપતા જિલ્લાના પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, દાહોદ જિલ્લા પોલીસે ચૂંટણીલક્ષી ૯૦ ટકા કામગીરી અસરકારક રીતે પૂર્ણ કરી છે જયાં ચૂટણી યોજાવાની છે ત્યાં ૩૫૦ થી વધુ સ્થળ મુલાકાત, ૬ વિરૂદ્ધ પાસા તેમજ ૪ વ્યક્તિને તડીપાર સહિત ૨૬૦૦ થી વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ ૨૫૨ થી વધુ બિનજામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લામાં આગામી ૧૯ ડિસેમ્બરે ૩૫૦ થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ અને મુક્ત, ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાઇ એ માટે જિલ્લા પોલીસ રાતદિવસ કામગીરી કરી રહી છે. ચૂટણીલક્ષી કામગીરી પોલીસ તંત્ર દ્વારા ૯૦ ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. ચૂંટણી સંદર્ભે હથિયારબંઘી અંતર્ગત ૨૬૩૩ હથિયારો જમા લેવાયા છે. છેલ્લા ૧૦ દિવસમાં ૨૩ લાખથી વધુનું દારૂ પ્રોહિબિશન એક્ટ હેઠળ ઝડપી પડાયું છે. તેમજ ચૂંટણી કામગીરી માટે ૧૪ જેટલી ચેકપોસ્ટને કાર્યરત કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પોલીસ અધિકારીઓ દ્વારા ૩૫૦થી વધુ પંચાયતોની મુલાકાત લઇને ત્યાં શાંત માહોલમાં ચૂંટણી યોજાઇ તે સુનિચ્છિત કરાયું છે. અહીંયા કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જડબેસલાક વ્યવસ્થા કરાઇ છે. ચૂંટણીમાં કોઇ પણ પ્રકારનો વિક્ષેપ કરનારને બક્ષવામાં નહી આવે, તેમની વિરૂદ્ધ પાસા સહિતના કડક પગલા લેવાશે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટેની પૂરતી તકેદારી અને ચુસ્ત વ્યવસ્થા કરાઇ છે.
તેમણે તમામ પંચાયતના સામાજિક, ધાર્મિક, રાજકીય આગેવાનોને અપીલ કરી છે કે, ચૂંટણી પ્રક્રિયા લોકશાહી ઢબે શાંતિપૂર્ણ રીતે યોજાઇ એ માટે તેમનો સહકાર આપે. તેઓ ગ્રામજનોને કોઇ પણ ખોટી દિશામાં જતા અટકાવે અને સાચી સમજ આપે. પંચાયતની ચૂંટણી યોજાઇને પૂર્ણ પણ થઇ જશે પરંતુ તેના કારણે ગામમાં કોઇ વેરઝેર-મનદુખ કે કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે તેઓ ખાસ તકેદારી લે.