લાંબા સમયગાળા બાદ દાહોદમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
દાહોદ તા.5
દાહોદ જિલ્લામાં ૪ થી ૫ મહિના બાદ એટલે કે, કોરોનાની બીજી લહેર શાંત પડયા બાદ લાંબા સમયગાળાના અંતર બાદ આજરોજ આરોગ્ય તંત્રના ચોપડે 3 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાવા પામ્યા છે. આ ત્રણ દર્દીઓ દુબઈથી દાહોદ આવ્યા હતા અને તેઓના ગતરોજ મધ્યરાત્રિના સમયે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ, દાહોદ જિલ્લામાં અત્યાર સુધીનો કોરોના કુલ આંકડો 7146 ને પાર કરી ગયો છે.
કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં દેશ – દુનિયાની સાથે સાથે દાહોદ જિલ્લાને પણ ખાસ્સી એવી અસર પડી હતી ત્યારે ખાસ કરીને કોરોનાની બીજી લહેર જીવલેણ સાબિત થતાં હાહાકાર મચી જવા પામ્યો હતો. કોરોનાની બીજી લહેર જેમ તેમ કરીને શાંત પડી ત્યાં હવે સંભવત ત્રીજી લહેરના ભણકારા પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે જેની વચ્ચે બે ત્રણ દિવસ અગાઉ દુબઈથી દાહોદ આવેલા ત્રણ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફરીવાર દાહોદ જિલ્લામાં કોરોના પગપેસારો કર્યો હોય તેમ કહીએ તેમાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. આ ત્રણ પોઝિટિવ દર્દીઓની સાથે તેમના પાંચ સ્વજનો મળી કુલ આઠ જણાને હોમકોમટાઈમ હેઠળ રાખવામાં આવ્યા છે.
મહિનાઓ સુધીના લાંબા ગાળાના વિરામ બાદ ફરીવાર દાહોદ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના નવા વેવને પગલે લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. આમ, જિલ્લામાં અત્યાર સુધી એટલે કે, કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર અને આજના ત્રણ કેસોનો સમાવેશ કરવા જઈએ તો અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો 7146 ને પાર થઈ ચૂક્યો છે અને કુલ મૃત્યુ આંકની વાત કરીએ તો 339 ને પાર થઈ ચૂક્યો છે. આમ, હાલ એક્ટિવ કેસ તો માત્ર ત્રણ જ છે પરંતુ આગામી દિવસોમાં આ સંક્રમણ કઈ દિશામાં જઈને અટકશે તે જોવાનું રહ્યું.