દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં માર્ગ અકસ્મતાના બે બનાવોમાં બેને ઈજા પહોંચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં બે જુદા જુદા સ્થળોએ માર્ગ અકસ્માતના સર્જાયેલ બે અકસ્માતોમાં બે જણાને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે રણધીકપુર રોડ ખાતે ગત તા.૦૭મી ડિસેમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં એક એસટી બસના ચાલકે પોતાના કબજાની પેસેન્જર ભરેલ એસ.ટી. બસ બસ સ્ટેન્ડ ખાતે ઉભી રાખી હતી અને તે દરમ્યાન પોતાના કબજાની એસટી બસ ગફલત ભરી રીતે સ્ટાર્ટ કરી ઉપાડતાં તે સમયે બસમાં ચઢી રહેલ પેસેન્જર અલ્કેશભાઈ સુરસીંગભાઈ (રહે. દાસા, બારીયા ફળિયું, તા. સીંગવડ, જિ.દાહોદ) પડી જતાં બસનું ખાલી સાઈડનું આગળનું વ્હીલ અલ્કેશભાઈના જમણા પગના પંજા ઉપર ચડી જતાં ફેક્ચર થયું હતું. આ સંબંધે સીંગવડ તાલુકાના દાસા ગામે બારીયા ફળિયામાં રહેતાં ધીરાભાઈ ભાવસીંગભાઈ બારીઆએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ડુંગરી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી નવેમ્બરના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં મોટા ભામૈયા પુર્વ ગામે રહેતાં રણજીતસિંહ અમરસિંહ બારીઆ ડુંગરી ગામે બસ સ્ટેશન પાસે રસ્તાની સાઈડમાં ઉભા હતા. આ દરમ્યાન ત્યાંથી એક ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને રણજીતસિંહને અડફેટમાં લેતાં રણજીતસિંહ અડફેટમાં લઈ ટક્કર મારતાં કપાળના ભાગે, આંખના ભાગે તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચાડી ફોર વ્હીલર ગાડીનો ચાલક નાસી ગયો હતો. આ સંબંધે ઈજાગ્રસ્ત રણજીતસિંહ અમરસિંહ બારીઆએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધવાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

