દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં એકનું મોત : એક ઈજાગ્રસ્ત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં એકનું મોત જ્યારે એકને શરીરે ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર હેઠળ ખસેડાયાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ફતેપુરા તાલુકાના મોટીશેરો ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૯મી ડિસેમ્બરના રોજ એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ફતેપુરા તાલુકાના માધવા ગામે તળાવ ફળિયામાં રહેતા કલ્પેશભાઈ બદીયાભાઈ પારગી (ઉ.વ.૨૧) અને તેમની મોટરસાઈકલ પાછળ બેઠેવ બહેન રીન્કુબેનને ટ્રેક્ટરના ચાલકે અડફેટમાં લેતાં બંન્ને ભાઈ – બહેન મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે કલ્પેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે રીન્કુબેનને શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં તેમને નજીકના દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે મૃતક કલ્પેશભાઈની પત્નિ અર્પિતબેન કલ્પેશભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દાહોદ તાલુકાના ચંદવાણા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૭મી નવેમ્બરના રોજ એક જેસીબીના ચાલકે પોતાના કબજાનું જેસીબી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ દાહોદ તાલુકાના તરવાડીયા વજા ગામે નિશાળ ફળિયામાં રહેતાં તાનુભાઈ ગલાલભાઈ ડામોરની મોટરસાઈકલને અડફેટમાં લેતાં તાનુભાઈને શરીરે તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. આ સંબંધે તરવાડીયાવજા ગામે નિશાળ ફળિયામાં રહેતાં બદીયાભાઈ રત્નાભાઈ ડામોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.