દાહોદના કાળી તળાઇ પાસેથી પસાર થતાં હાઇવે પર લૂંટના ઇરાદે પથ્થરમારો : 20 મુસાફરો ભરેલી એસટી બસ, ખાનગી લક્ઝરી અને કાર પર પથથરમારો કરતા કાંચ ફુટ્યા લક્ઝરીના ચાલક અને એસટીના ડ્રાઇવરને કાચના ઘસરકાં થતા ઇજા પહોંચી
દાહોદ પાસે હાઇવે પર કાળી તળાઇ પાસે એક પછી એક 4 જેટલા વાહનો પર લૂંટના ઇરાદે કેટલાક અસામાજિક તત્વો દ્રારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં લક્ઝરીના ચાલક અને એસટીના ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ પહોંચી છે. વાહન ચાલકોએ પોતાના વાહનો નજીક આવેલી હોટેલ પાસે ઉભા કરી દીધા હતા. આ વિસ્તારમાં ફરીથી ભય ફેલાવવાનુ કાવતરું હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ શહેરને આડીને પસાર થતાં અમદાવાદ ઇન્દોર હાઇવે પર કાળી તળાઇનો વિસ્તાર હાઇવે લૂંટ રોબરી મામલે અતિસંવેદનશીલવ માનવામાં આવે છે. જેથી આ વિસ્તારમાં રાત્રે સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે છે. છેલ્લા ઘણાં સમયથી આ વિસ્તારમાં શાંતિનુ વાતાવરણ હતુ, પરંતુ ગઇકાલે રાત્રે બનેલી ઘટનાએ ફરીથી અનેક સવાલો ઉભા કર્યા છે.
ગત રાત્રે ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલી હતી, જે કાળી તળાઇ હાઇવે પરથી આગળ નીકળી જાય છે. તેની સાથે જ પોતાની રફ્તારથી એક પછી એક ચાર વાહનો પસાર થાય છે. ત્યારે પોલીસ વાન નીકળી તેની મિનિટો બાદ જ એકા એક જ આ વાહનો પર પથ્થરમારો થયો હતો. જેમાં એક ખાનદી લક્ઝરી બસ, એક ઇકો અને અન્ય એક વાહનનો સમાવેશ થાય છે.
ત્યારબાદ આશરે 20 જેટલા મુસાફરો સાથે ગોંડલથી ઝાલોદ આવતી બસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બસનો કાચ તૂટતાં ડ્રાઇવરને માથાના ભાગે સામાન્ય ઇજા થઇ છે. એકાએક બનેલી ઘટનાથી હેબતાઇ ગયેલા વાહન ચાલકોએ નજીક આવેલી હોટેલ પર વાહનો ઉભા કરી દીધા હતા. જાણ કરાતાં પેટ્રોલિંગમાં નીકળેલા ગ્રામ્ય પીએસઆઇ એમ.એફ.ડામોર સહિતનો કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો. પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.