દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક ૬૮ વર્ષીય વૃધ્ધ સાથે લગ્ન કર્યાં બાદ મહિલાએ મિલ્કત પડાવી લેવા ધાકધમકી અપાતા પોલીસમાં ફરિયાદ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ૬૮ વર્ષીય વૃધ્ધના લગ્ન (ફુલહાર) મધ્યપ્રદેશના ઈન્દૌર ખાતે રહેતાં બે વ્યક્તિઓએ એક મહિલા સાથે કરાવ્યાં બાદ વૃધ્ધને વિશ્વાસમાં લઈ સોના – ચાંદીના દાગીના તેમજ મિલ્કત વિગેરે પચાવી પાડવાની ઈરાદે મહિલા સાથે લગ્ન કરાવ્યાં બાદ ધાકધમકી તેમજ વિશ્વાસઘાત કરતાં આ મામલે વૃધ્ધ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાંનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ નગરમાં સર્કલ પાસે બજાર શેરી પાસે રહેતાં ૬૮ વર્ષીય ગીરીશકુમાર વાડીલાલ સોનીને તારીખ ૨૨.૧૧.૨૦૨૧ના રોજ મધ્યપ્રદેશના ઈન્દૌર ખાતે રહેતાં આનંદ શર્મા ઉર્ફે આનંદ ચોક્સી અને રાખીબેન પરમાર નામક બંન્ને વ્યક્તિઓએ પુર્વ આયોજીત કાવતરૂં રચી ગીરીશકુમારને ઈન્દૌર ખાતે બોલાવ્યાં હતાં. આ બાદ ગીરીશકુમારને અનિતાબેન જીવનરાય ડોંગરે ઉર્ફે અનિતા પાટીલ (રહે. ઈન્દૌર) સાથે પટાવી ફોસલાવી વિશ્વાસમાં લઈ ફુલહાર કરાવી દીધાં હતાં. ઉપરોક્ત ત્રણેય જણાએ ગીરીશકુમારના સોના – ચાંદીના દાગીના, પૈસા તથા મિલ્કત પચાવી પાડવાના ઈરાદે લગ્ન કરાવ્યાં હતાં. ગીરીશકુમારની મિલ્કત નામે કરાવી ખોટી રીતે ફસાવી દેવાની ધમકીઓ આપી ગીરીશકુમાર સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ સંબંધે ૬૮ વર્ષીય ગીરીશકુમાર વાડીલાલ સોનીએ ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.