ધાનપુર તાલુકાના આગાશવાણી ગામનો બનાવ : ૧૫ વર્ષીય કિશોર પર દિપડાનો હુમલો ગંભીર ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આગાશવાણી ગામે આવેલ જંગલ વિસ્તારમાં એક પંદર વર્ષીય કિશોર પશુઓ ચલાવતો હતો તે સમયે હિંસક દીપડાએ બાળક પર હુમલો કરી માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારે ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓએ વિભાગના કર્મચારીઓને આ બનાવની જાણ કરી હતી અને ઘટના સ્થળ પર દોડી ગયેલ વન વિભાગના કર્મચારીઓ દ્વારા દીપડાને રેસ્કયુ કરી પાંજરે પૂર્યાેં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ગતરોજ બપોરના બે વાગ્યાના આસપાસ ધાનપુર તાલુકાના મહુનળા ગામે રહેતો ૧૫ વર્ષીય નીતિનકુમાર દિલીપભાઈ મેડા આગાશવાણી ગામે આવેલ જંગલ વિસ્તારમાં પશુઓ ચરાવવા ગયો હતો તે સમયે ત્યાં આવી પહોંચેલો હિંસક દીપડાએ ૧૫ વર્ષીય કિશોર નીતિનકુમાર પર જીવલેણ હુમલો કર્યાેં હતો અને તેના માથાના પાછળના ભાગે તેમજ મોઢા તરફના ભાગે પંજાઓ મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોચાડતાં નીતિનકુમાર લોહીલુહાણ થઇ ગયો હતો. નીતિનકુમારએ બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના રહીશો તેમજ પરિવારજનો દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ નજીકના વનવિભાગના અધિકારીઓને કરવામાં આવતા તેઓ પણ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને ગંભીર ઇજાગ્રસ્ત બાળકને નજીકના દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગનાં કર્મચારીઓ દ્વારા દીપડાને શોધી કાઢી તેને પાંજરે પૂર્યો હતો. ઘટનાને પગલે ગામ લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો અને ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં.