દાહોદ તાલુકાના ખરોદા ગામે ચકચારી બનાવ સામે આવ્યો : બહેને પોતાના પ્રેમી સાથે મળી પોતાના સગાભાઈનું કાસણ કાઢ્યું
દાહોદ તા.૧૨
દાહોદ તાલુકાના ખરોદા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બહેનને તેના પ્રેમી સાથે ભાઈ જાેઈ જતાં ભાઈનું કાસણ કાઢવા માટે બહેને પોતાના પ્રેમીની સાથે મળી પોતાના સગા ભાઈને માથામાં લાકડીના ફટકા મારી લોહીલુહાણ કર્યાં બાદ મૃતક યુવકની બહેન અને તેના પ્રેમીએ પુરાવાનાનો નાશ કરવા માટે લાશને થોડી દુર ફેંકી દઈ લાશને પાણીથી ધોઈ નાંખી પુરાવાનો નાશ કરવાની કોશીષ કરતાં સમગ્ર ઘટનામાં પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી ગુન્હાનો ભેદ ઉકેલવા પોલીસે અટકાયત કરેલ બહેનની ધરપકડ કરી કડક પુછપરછ હાથ ધરતાં બહેને જ પોતાના પ્રેમી સાથે મળી ભાઈને કાસણ કાઢ્યાંનું જાણવા મળતાં આ સંબંધે મૃતક યુવકના પિતા દ્વારા પોતાની દિકરી અને તેના પ્રેમી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવતીની ધરપકડ કરી લીધી છે અને તેનો પ્રેમી ફરાર હોવાથી પોલીસે તેના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
૨૧મી સદીના આ કળયુગી યુગમાં ભાઈ, ભાઈનું અને પિતા, પુત્રનું અને પુત્ર પિતાનું તેમજ પુત્ર માતાનું વિગેરે જેવા પારિવારીક સંબંધોમાં એકબીજાની કોઈકને કોઈક કારણોસર હત્યા કરતાં હોવાના કિસ્સાઓ તો ઘણા બન્યાં પરંતુ જુજ એવા કિસ્સા બનતા હોય જેમાં બહેન ભાઈનું કાસણ કાઢતી હોય. કારણ કે, જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવા હંમેશા તત્પર રહેતો હોય ત્યારે બહેનો પણ પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે પરંતુ કળીયુગી યુગમાં કોઈ કોઈનો સગો નથી તે દાહોદ તાલુકાના ખરોદા ગામના બનાવથી પ્રતિત થાય છે. ખરોદા ગામના બનાવથી આખા દાહોદ શહેર સહિત જિલ્લામાં ચકચાર મચાવી મુકી છે.
દાહોદ તાલુકાના ખરોદા ગામે સંગાડા ફળિયામાં રહેતી નિકીતાબેન મુકેશભાઈ રાણા અને દાહોદ તાલુકાના મોટીખરજ ગામે રહેતો તેનો પ્રેમી વિજયભાઈ મેતાનભાઈ બારીયા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ દરમ્યાન ગત તા.૦૭મી જાન્યુઆરીના રોજ નિકીતાબેન અને તેનો પ્રેમી વિજયભાઈ એમ બંન્ને જણા ખરોદા ગામે મળ્યાં હતાં. આ દરમ્યાન નિકીતાબેનનો સગો ભાઈ ૨૧ વર્ષીય રાહુલભાઈ મુકેશભાઈ રાણા પોતાની બહેનને તેના પ્રેમી વિજય સાથે જાેઈ ગયો હતો અને આ બાબતની જાણ નિકીતાબેન અને તેના પ્રેમી વિજયભાઈને પણ થઈ ગઈ હતી કે, રાહુભાઈ તેમને બંન્નેને જાેઈ ગયો છે. આ બાદ બંન્ને પ્રેમી, પંખીડાઓ રાહુભાઈ પાસે ગયાં હતાં અને એકદમ નિકીતાબેને પોતાના સગા ભાઈ રાહુભાઈને માથાના ભાગે લાકડી વડે ફટકા મારી રાહુલભાઈને લોહીલુહાણ કરી નાંખી સ્થળ પર મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બાદ નીકિતાબેન અને તેના પ્રેમી વિજયભાઈ દ્વારા મૃતક રાહુલભાઈની લાશને રોડથી થોડે દુર ફેંકી દઈ લાશ ઉપર ખુનના નીશાન સાફ કરવા પાણી વડે લાશને ધોળી નાંખી હતી અને લોહીવાળી ઓઢળી બાળી નાંખી હતી. આમ, પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યાેં હતો.
સમગ્ર મામલે રાહુભાઈના પિતા મુકેશભાઈ કાંતિભાઈ રાણાને આ મામલાની જાણ થતાં તેઓએ પોતાની સગી દિકરી નિકીતાબેન અને તેના પ્રેમી વિજયભાઈ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તાત્કાલિક પોલીસે નિકીતાબેનને ધરપકડ કરી હતી જ્યારે તેનો પ્રેમી વિજયભાઈ મેતાનભાઈ બારીયા હાલ પણ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેની પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

