દાહોદમાં કોરોનાના વધુ ૮૨ પોઝીટીવ કેસનો સમાવેશ : એક્ટીવ કેસની સંખ્યા ૩૩૯ ને પાર
દાહોદ તા.20
દાહોદમાં કોરોના સેન્ચુરીને પાર કરવા જઈ રહ્યું છે ત્યારે આજે એકજ દિવસમાં 82 કોરોના કેસો નોંધાંતાં દાહોદ જિલ્લવાસીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. દાહોદની સરકારી હોસ્પિટલો હવ ધીમે ધીમે હાઉસફુલ થવા માંડી છે અને તેમાંય ખાસ કરીને કોરોના વોર્ડાેમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. દાહોદમાં આવનાર દિવસો પડકારરૂપ હશે તેમ કહી શકાય કારણ કે, હવે છેલ્લા બે દિવસથી ૫૦ ઉપરાંત કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે.
આર.ટી.પી.સી.આર. ના 2467 પૈકી 40 અને રેપીટ ટેસ્ટના 810 પૈકી 42 મળી આજે કુલ 82 કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં હતાં. સૌથી મોખરે દાહોદ અર્બન વિસ્તાર રહ્યો છે. દાહોદ અર્બન વિસ્તારમાંથી 45, દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી 03, ઝાલોદ અર્બન વિસ્તારમાંથી 03, ઝાલોદ ગ્રામ્યમાંથી 08 , દેવગઢ બારીઆ અર્બનમાંથી 02, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 07, લીમખેડામાંથી 04, સીંગવડમાંથી 03, ગરબાડામાંથી 04 અને ફતેપુરામાંથી 04 કેસોનો સમાવેશ થાય છે. કોરોના સંક્રમણ ધીરે ધીરે શહેરી વિસ્તાર સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યું છે. કોરોના સંક્રમણને પગલે દાહોદ શહેર સહિત જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં કોરોના વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉથી કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે હોસ્પિટલમાં બેડોની વધારાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી પરંતુ હવે આવનાર દિવસોમાં કોરોના સંક્રમણ કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જાેવાનું રહ્યું. આ સિવાય દાહોદના ખાનગી હોસ્પિટલોમાં પણ સામાન્ય ફ્લુ જેવા કે, તાવ, ખાસી, શરદી વિગેરે જેવા દર્દીઓનો રાફડો ફાટ્યો છે. દાહોદમાં સરકારી હોસ્પિટલ સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જાેવા મળી રહી છે. આવા સમયે દાહોદમાં કોરોના સંક્રમણનો ફેલાવવાની સંભાવનાઓ વધુ વ્યક્ત કરાઈ રહી છે. રાહતના સમાચાર એ છે કે, દાહોદમાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે 39 દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7709 ને પાર થઈ ગયો છે ત્યારે 339 એક્ટીવ કેસો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

