૯૨ વર્ષની વયે લતા મંગેશકરે લીધા અંતિમ શ્વાસ, દેશભરમાં શોકનો માહોલ છવાયો
મુંબઇ,તા.૬
હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે ૯૨ વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.થોડા દિવસો પહેલા તેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે લતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ ફરી એકવાર તેમની તબિયત બગડતા ફરી દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
નોંધનીય છે કે ૯૨ વોઈસ નાઈટિંગેલ લતા મંગેશકરને ૧૧ જાન્યુઆરી (મંગળવાર) સવારે કોરોના સંક્રમિત મળ્યા બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો જાેવા મળ્યો હતો. પરંતુ ફરી એકવાર તેમની તબિયત ખરાબ થઇ હતી અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તે ન્યુમોનિયાથી પણ પીડિત હતી. થોડા દિવસો પહેલા તેમની નાની બહેન ઉષા મંગેશકરે તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કહ્યું હતું કે લતા દીદી કોવિડથી સંક્રમિત છે, તેથી કોવિડ પ્રોટોકોલ હેઠળ અમે તેમને હોસ્પિટલમાં જાેઈ શકતા નથી. આ પહેલા સપ્ટેમ્બર ૨૦૧૯માં લતા મંગેશકરને છાતીમાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. થોડા દિવસની સારવાર બાદ તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરી હતી.
લતા મંગેશકરે ગત મહિને જ તેમના રેડિયો ડેબ્યુના ૮૦ વર્ષની ઉજવણી કરવા ટિ્વટર પર એક પોસ્ટ લખી હતી. ‘ભારતની નાઇટિંગેલ’ તરીકે ઓળખાતી લતા દીએ અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. ઘણા પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત કરનાર, લતા દીદીને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકરે ૧૯૪૨માં ૧૩ વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે બહુવિધ ભાષાઓમાં ૩૦,૦૦૦ થી વધુ ગીતો ગાયા છે. તેમને ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, હું મારું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. દયાળુ અને સંભાળ રાખનારી લતા દીદીએ અમને છોડી દીધા. તેમણે આપણા દેશમાં એક ખાલીપો છોડી દીધો છે જે ભરી શકાતો નથી. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ તરીકે યાદ કરશે, જેમના મધુર અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અપ્રતિમ ક્ષમતા હતી.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયિકા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત રત્ન, લતાજીની સિદ્ધિઓ અજાેડ રહેશે.
નીતિન ગડકરીએ કહ્યું કે, દેશનું ગૌરવ અને સંગીત જગતના વડા ભારત રત્ન લતા મંગેશકરજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. પવિત્ર આત્માને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. તેમનું નિધન એ દેશ માટે અપુરતી ખોટ છે. તે હંમેશા તમામ સંગીત શોધનારાઓ માટે પ્રેરણારૂપ હતી. તેમણે કહ્યું કે, ૩૦ હજારથી વધુ ગીતો ગાઈને તેમના અવાજે સંગીતની દુનિયાને સૂરથી સજાવી છે. લતાદીદી ખૂબ જ શાંત સ્વભાવના અને પ્રતિભાથી સમૃદ્ધ હતી.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, તમામ દેશવાસીઓની જેમ તેમનું સંગીત પણ મને ખૂબ જ પ્રિય છે, જ્યારે પણ મને સમય મળે છે ત્યારે હું તેમના દ્વારા ગાયેલા ગીતો ચોક્કસ સાંભળું છું. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને સાંત્વના આપે.
રાહુલ ગાંધીએ કહ્યું, લતા મંગેશકરના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તે ઘણા દાયકાઓ સુધી ભારતનો સૌથી પ્રિય અવાજ રહ્યો. તેમનો સોનેરી અવાજ અમર છે અને તેમના ચાહકોના હૃદયમાં ગુંજતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.આ ઉપરાંત ફિલ્મ જગત ક્રિકેટ જગત વિવિધ પક્ષોના નેતાઓએ સત્તા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
લતાજીના નિધન બાદ તેમના પાર્થિવદેહને તેમના નિવાસ પર લાવવામાં આવ્યો હતો જયાં ફિલ્મ જગત,વિવિધ રાજકીય નેતાઓ સહિતના આગેવાનોએ શ્રધ્ધાંજલિ અર્પીત કરી હતી. તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યા હતાં.લત્તાજીના નિવાસ સ્થાને અભિતાભ બચ્ચન તેમની પુત્રી શ્વેતા,સચિન તેંડુલકર ગીતકાર જાવેદ અખ્તર,મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે.મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે,રાજ ઠાકરે પોતાની પત્ની અને માતા સાથે અંતિમ દર્શન માટે તેમના પેડર રોડ ખાતે આવાસ પ્રભુકુંજ પહોંચ્યા હતાં.આ ઉપરાંત શ્રધ્ધાકપુર અનુપમ ખેર ઉર્મિલા માતોંડકર, નીલ નિતિન મુકેશના પિતા હાજર રહ્યાં હતાં. મંગેશકરના પાર્થિવ શરીરને બ્રીચ કૈંડી હોસ્પિટલથી તેમના ઘરે પહોંચ્યા બાદ તેમના ઘરે લોકોની ભારે ભીડ લાગી ગઇ હતી
અહીંથી તેમના પાર્થિવ શરીરને શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર માટે લઇ જવામં આવ્યો હતો અને તેમના સમગ્ર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યાં હતાં આ પહેલા તેમણે લતાજીના નિધન પર શોક વ્યકત કર્યો હતો.

