દેવગઢ બારીઆ તાલુકાના નાડાતોડ ગામેથી પોલીસે રૂપીયા ૨.૯૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ૪ મોટરસાઈકલ કબજે કરી : બેની અટકાયત કરી
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાડાતોડ ગામેથી ચાર મોટરસાઈકલો પર વિદેશી દારૂનો હેરાફેરી કરતાં ચાર ઈસમો પૈકી પોલીસે બે મોટરસાઈકલ ચાલકોને ઝડપી પાડી જ્યારે અન્ય બે મોટરસાઈકલના ચાલકો સ્થળ પર પોતાના કબજાની મોટરસાઈકલ મુકી નાસી જતાં પોલીસે સ્થળ પરથી કુલ રૂા.૨,૯૦,૫૨૦ના પ્રોહી જથ્થા સાથે ચાર મોટરસાઈકલો કબજે લઈ બે જણાની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગત તા. ૦૬ ફેબ્રુઆરીના રોજ વિજયભાઈ નારીયાભાઈ તોમર (રહે. કઠીવાડા, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ), કરણભાઈ શંકરભાઈ રાઠવા (રહે. નાનીદુણ, નિશાળ ફળિયુ, તા.જિ. છોટાઉદેપુર), ઈન્દુભાઈ પુનીયાભાઈ તોમર (રહે. કાછલા, તા.કઠીવાડા, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને પર્વતભાઈ કાન્તીભાઈ રાઠવા (રહે. દુણ, પુંજારા ફળિયું, તિ.જિ.છોટાઉદેપુર) નાઓ પોતપોતાની કુલ ચાર મોટરસાઈકલો પર વિદેશી દારૂનો જથ્થો લઈ હેરાફેરી કરતાં હતાં અને દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાડાતોડ ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત ચારેય જણાની મોટરસાઈકલનો પીછો કરતાં પોલીસે વિજયભાઈ અને કરણભાઈને ઝડપી પાડ્યાં હતાં જ્યારે ઈન્દુભાઈ અને પર્વતભાઈ પોલીસને ચકમો આપી પોતાના કબજાની મોટરસાઈકલો સ્થળ પર મુકી નાસી ગયાં હતાં. પોલીસે ચારેય મોટરસાઈકલો પરથી કંતાનના થેલાઓમાં ભરી રાખેલ વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. ૨૦૮૮ કિંમત રૂા. ૨,૯૦,૫૨૦ના પ્રોહી જથ્થા સાથે ચાર મોટરસાઈકલો મળી કુલ રૂા. ૩,૫૫,૫૨૦નો મુદ્દામાલ કબજે કરી સાગટાળા પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.