દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું : કોરોનામાં મૃત્યુ પામનારના સ્વજનોને સહાય ચુકવવા રજુઆત કરાઈ
દાહોદ તા.૭
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનોને સરકાર દ્વારા ૪ લાખની સહાય ચુકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, કોરોના મહામારીમાં ગુજરાત સરકારે ગુનાહિત બેદરકારી અને અણધડ વહીવટ દ્વારા કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે ગુજરાતના ત્રણ લાખથી પણ વધુ લોકો કોરોના મૃત્યુ પામ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યાં હતાં. વધુમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યા અનુસાર, ખાનગી હોસ્પિટલોમાં સારવારના નામે લાખોની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી. પશુ અને મનુષ્ય માટે ૫૦ હજાર વળતરના એક સમાન ધારાધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પૂરવાર કર્યું છે અને મૃતક પરિવારજનો સાથે માનવજાતની પણ ક્રૂર મજાક કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. મૃતકના આધાર પુરાવા તપાસી મરણ પ્રમાણપત્રમાં સુધારા કરવા જિલ્લા દીઠ મોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે પરંતુ સરળતાથી મરણ પ્રમાણપત્ર મેળવવામાં વ્યાપક હેરાન પરેશાનીનો સામનો સ્વજન ગુમાવનાર પરિવારજનો કરી રહ્યા છે માટે સમગ્ર મામલે કોરોના મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા પરિવારજનોને ૪ લાખની સહાય ચુકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.