દાહોદમાં રખડતા આખડાઓનો ત્રાસ : યુધ્ધ કરતાં બે આખલાઓએ એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લીધો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.8
દાહોદમાં રખડતાં પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે અને તેવામાં પાલિકા તંત્ર દ્વારા એજન્સીનો કામ સોંપી રખડતાં પશુઓને પાંજરે પૂરવાની પણ કામગીરી હાથ ધરી છે ત્યારે ગતરોજ દાહોદ શહેરમાં ૨ આખલાઓ જાહેર માર્ગ ઉપર લડતા અને તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલ એક મોટરસાયકલ પર સવાર બે થી ત્રણ યુવકોને આખલાએ અડફેટમાં લેતા યુવકોના માંડ બચ્યા હતા.
દાહોદ શહેરમાં હાલ જ્યાં જુઓ ત્યાં રખડતા પશુઓ નો અઠીંગો જોવા મળી રહ્યો છે અને જેને પગલે શહેરવાસીઓ ભારે હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે. દાહોદ શહેરના જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓએ અડિંગો જમાવતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને અવર જવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભૂતકાળમાં જાહેર માર્ગ ઉપર યુદ્ધ કરતા આખલાઓને પગલે અને બેફામ દોડતા પશુઓને કારણે કેટલાક વાહનચાલકો તેમજ રાહદારીઓને અડફેટમાં લીધા હતા અને ગંભીર ઈજાઓ પણ પહોંચી હોવાના બનાવ ભૂતકાળ બની ચૂકયા છે ત્યારે ગતરોજ દાહોદ શહેરમાં જાહેર માર્ગ ઉપર બે આખલા લડાઈ રહ્યા હતા અને તેવામાં ત્યાંથી એક મોટરસાયકલ પર સવાર થઇ રહેલ લગભગ બે થી ત્રણ યુવકોને આ આખલાએ અડફેટમાં લેતા યુવકો મોટર સાયકલ પરથી ફંગોળાઇ જમીન પર પટકાયા હતા પરંતુ સદનસીબે નાની – મોટી ઇજાઓ સિવાય યુવકોને કોઈ ગંભીર ઇજાઓ પહોંચી ન હતી પરંતુ સમગ્ર મામલે દાહોદ શહેરમાં રખડતા પશુઓ અને ખાસ કરીને જાહેર માર્ગ ઉપર તાંડવ કરતાં આખલાઓ
નો ત્રાસ વધી રહ્યો છે. આ એક ચિંતાનો વિષય પણ છે. ઘણીવાર વૃદ્ધ અને નાનાં બાળકોને પણ અડફેટમાં લઇ શકે તેવા સંકેતો પ્રાપ્ત કરવામાં આવી રહ્યા છે. ગઇકાલના ઘટનાનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો અને તરેહ તરેહની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું.

