દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણના મોત નીપજ્યાં : ૧૦થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના ત્રણ જુદા જુદા બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાનું તેમજ જ્યારે એક બનાવમાં મુસાફર ભરેલ તુફાન ગાડીના તેર જેટલા પેસેન્જરોને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણળા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા નગરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી ફેબ્રુઆરીના રોજ એક એસ.ટી.બસના ચાલકે પોતાના કબજાની એસ.ટી. બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ એક ૫૮ વર્ષીય ખાલીદભાઈ સાદીકભાઈ પટેલ (રહે. સુરત) ની ટુ વ્હીલર સ્કુટીને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી પોતાના કબજાની બસ સ્થળ પર મુકી નાસી જતાં ખાલીદભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સંબંધે સુરત ખાતે રહેતાં ઈલીયાસભાઈ સાદીક પટેલ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ધાનપુર તાલુકાના નવાનગર ગામે બનવા પામ્યો હતો જેમાં એક કપચી ભરેલ ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે રસ્તામાં પશુ આવી જતાં તેને બચાવવા જતાં ટ્રેક્ટરની ઓચિંતી બ્રેક મારતાં ટ્રેક્ટરમાં સવાર પ્રવિણભાઈ ટ્રેક્ટરમાંથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન પ્રવિણભાઈનું મોત નીપજતાં આ સંબંધે ધાનપુર તાલુકાના ભાણપુર ગામે તળાવ ફળિયામાં રહેતાં અનવરભાઈ મગનભાઈ પરમારે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ ઝાલોદ નગરના સુખસર ઝાલોદ હાઈવે રોડ પર એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ પેસેન્જર ભરેલ તુફાન ગાડીને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં તુફાન ગાડીમાં સવાર ૧૩ જેટલા મુસાફરો શરીરે ઈજાઓ પહોંચી હતી જેમાં એક ૧૬ વર્ષીય જયદીપભાઈ (રહે. ખાતરપુરના મુવાડા, તા.ફતેપુરા, જિ.દાહોદ) ને મોઢાના ભાગે તેમજ પેટના ભાગના આંતરડાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ખાતરના મુવાડા ગામે દિવાપરી ફળિયામાં રહેતાં વિરકાભાઈ દામાભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

