દાહોદના ગોધરા રોડ ખાતે બસના ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં બસને રસ્તામાં મુકી ક્યાંક જતો રહેતો મુસાફરો હેરાન પરેશાન થયાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૦
દાહોદ શહેરમાં દાહોદ - રાજકોટ - ધ્રોલ બસનો ચાલક રસ્તામાં પેસેન્જર ભરેલ બસ મુકી નાસી જતાં લગભગ બે કલાક સુધી બસમાં સવાર મુસાફરો હેરાન પરેશાન થઈ ગયાં હતાં. મુસાફરોના જણાવ્યાં અનુસાર, બસનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો.
ગતરોજ રાત્રીના સમયે દાહોદ - રાજકોટ - ધ્રોલ બસ દાહોદ શહેરમાં મુસાફરો સાથે પ્રવેશી હતી અને ગોધરા રોડ ખાતે આવતાંની સાથે બસનો ચાલક રસ્તામાં મુસાફર ભરેલ બસ મુકી ક્યાંક જતો રહ્યો હતો. કંડક્ટરે બસના મુસાફરોને જણાવ્યું હતું કે, હું બસના ચાલકને લઈને આવ છું, તેમ કહી કંડક્ટર પણ પાછો આવ્યો ન હતો. લગભગ બે કલાક સુધી બસમાં સવાર મુસાફરો અટવાઈ ગયાં હતાં અને હેરાન પરેશાન થઈ ગયાં હતાં. બસમાં સવાર મુસાફરોના જણાવ્યાં અનુસાર, બસનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. આ અંગેની જાણ દાહોદ બસ ડેપોના મેનેજરને થતાં તેઓએ આ મામલે ધ્રોલ ડેપોનો સંપર્ક સાંધ્યો હતો. આ બસ ધ્રોલ ડેપોની હોવાનું જાણવા મળી રહ્યું છે અને દાહોદ ડેપોના મેનેજર દ્વારા ધ્રોલ ડેપોને આ અંગેની જાણ કરી રિપોર્ટ કર્યાેં હતો. દાહોદ ડેપો દ્વારા અન્ય બસ તાત્કાલિક મુસાફરોને દાહોદ ડેપો સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી.