સીંગવડમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા. ૯૮ હજારની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના સીંગવડ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી સોના - ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂા. ૯૮,૦૦૦ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ગત તા. ૧૯મી ફેબ્રુઆરીના રોજ સીંગવડ ગામે નીચવાસ બજાર જૈન મંદિરની સામે રહેતાં રાજેશકુમાર કરણસિંહ વણઝારાના ભાઈના બંધ મકાનને તસ્કરોએ રાત્રીના સમયે નિશાન બનાવ્યું હતું. મકાનના મુખ્ય દરવાજાનું તસ્કરાએ તાળુ તોડી અંદર પ્રવેશ કરી તિજાેરી તોડી તિજાેરીમાંથી ચાંદીના પગના કડલા, ચાંદીનું મંગળસુત્ર, સોનાનું પેન્ડલ, ચાંદીના હાથના ભોરીયા, ચાંદીના પગની અંગુઠીઓ, ચાંદીના છડા, સોનાના દોરા, કાન અને નાકની ચુનીયો, સોનાની વીટી, ગળાનો સોનાનો સેટ, ચાંદીનો કમરનો ઝોલો, કંદોરો વિગેરે મળી કુલ રૂા. ૯૮,૦૦૦ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે રાજેશકુમાર કરણસિંહ વણઝારાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

