દાહોદ જિલ્લાની ૧૦ હજાર મહિલાઓને બકરી મૂલ્ય સાંકળ પ્રોજેક્ટ અંતર્ગત પશુપાલન માટેની તાલીમ અપાશે : જિલ્લાના ૧૭૭૦ મહિલાઓને બકરી પાલનની તાલીમ અપાઇ, ૧૯ મહિલાઓને પશુ સખી તરીકેની તાલીમ અપાઇ : પશુસખીઓને પ્રાથમિક સારવારની કીટ આપતા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી


દાહોદ તા.28

પશુપાલન એ ખેડૂતોની આવક વધારવા માટેનું ઉત્તમ માધ્યમ છે ત્યારે દાહોદ જિલ્લામાં બકરી મૂલ્ય સાંકળ પ્રોજેક્ટ અંતર્ગત ૧૦ હજાર મહિલાઓને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ઉપરાંત ગ્રામ્ય સ્તરે કાઉન્સેલિંગ અને પ્રાથમિક સારવાર માટે પશુ સખીઓને તાલીમ અપાઇ રહી છે. અત્યાર સુધીમાં ૧૭૭૦ મહિલાઓને બકરી પાલનની તાલીમ આપવામાં આવી છે. જયારે ૧૯ મહિલાઓને પશુસખી તરીકે તાલીમ આપવામાં આવી છે.
પશુપાલન થકી જિલ્લામાં મહિલાઓ સારી આવક મેળવી શકે તે માટે અભિયાન રૂપે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૦ દિવસ માટે પશુપાલક મહિલાઓને બકરી પાલનની તાલીમ આપવામા આવે છે. જેમાં વર્મી કમ્પોસ્ટિંગ ઉપરાંત બેકયાર્ડ કિચન ગાર્ડન કોન્સેપ્ટ પર પ્રાયોગિક નિદર્શન સાથે તાલીમાર્થીઓને શાકભાજીના બીજનું પણ વિતરણ કરવામાં આવે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં દેવગઢ બારીયામાં ૨૧૦ અને લીમખેડામાં ૧૫૬૦ મહિલાઓને આ માટેની તાલીમ આપવામાં આવી છે.
જિલ્લામાં ગ્રામ્ય સ્તરે જ પશુઓને પ્રાથમિક સારવાર મળી રહે એ માટે મહિલાઓને પશુસખી તરીકેની તાલીમ આપવામાં આવી રહી છે. દાહોદનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને પશુપાલન વિભાગ તેમજ આઇસીઆઇસીઆઇ ફાઉન્ડેશન દ્વારા આ રીતે ૧૯ પશુ સખીઓને તાલીમ આપવામાં આવી છે. તેમજ તેમને પશુઓની પ્રાથમિક સારવાર માટે કીટ પણ આપવામાં આવી છે. કામગીરી ધ્યાને લઇ પશુસખીઓને પ્રોત્સાહક માનદ વેતન પણ આપવામાં આવશે. ઉપરાંત બકરી આરોગ્ય શિબિરોનું વિવિધ ગામો ખાતે આયોજન કરીને ૨૯૪ લોકોએ લાભ લીધો હતો અને ૧૬૨૫ જેટલા પશુઓનું નિ:શુલ્ક નિદાન-સારવાર કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીએ તાલીમબદ્ધ પશુસખીઓને પ્રાથમિક સારવાર કીટનું વિતરણ કર્યું હતું. તેમજ પશુખાણ દાણ સહાય યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘‘જિલ્લામાં ૧૦ હજાર લોકોને બકરી પાલન માટેની તાલીમ આપવામાં આવશે. પશુપાલનની વ્યવસ્થિત તાલીમ મળતાં પશુપાલકોની આવકમાં વધારો થશે અને જીવનધોરણનું સ્તર પણ ઉપર આવશે.’’ દાહોદનાં મુવાલીયા ખાતેના મરઘા ઉછેર કેન્દ્ર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેસ ગોસાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: