દેશમાં વિકાસના વાતાવરણમાં મહિલાઓએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી દેશને ગૌરવ અપાવ્યું : સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર : દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
આંગણવાડી તેમજ તેડાગર બહેનોનું માતા યશોદા એવોર્ડથી સન્માન કરતા મહાનુભાવો
લાભાર્થી નાગરિકોને મહિલા કલ્યાણની વિવિધ રાજ્ય સરકારની યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
દાહોદ, તા. ૮ : દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા આંગણવાડી તેમજ તેડાગર બહેનોનું માતા યશોદા એવોર્ડથી સન્માન કરાયું હતું. તેમજ જિલ્લામાં રમતગમત સહિત વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી તેમજ સિદ્ધિ હાંસલ કરનારી મહિલાઓનું પણ વિશેષ સન્માન મહાનુભાવોએ મહિલા દિવસ નિમિત્તે કર્યું હતું. ઉપરાંત લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજના સહિતની મહિલા કલ્યાણની વિવિધ રાજ્ય સરકારની યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, દેશમાં મહિલાઓ તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બની છે. દેશમાં વિકાસના વાતાવરણમાં મહિલાઓએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી દેશને ગૌરવ અપાવ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ મહિલાઓના સર્વાગી વિકાસ માટે કટીબદ્ધ છે અને વિવિધ યોજનાઓ થકી તેમને વિકાસની સમાન તકો આપી છે.
તેમણે આ પ્રસંગે દેશમાં, રાજ્યમાં તેમજ જિલ્લામાં મહત્વનું પ્રદાન કરનાર મહિલાઓને યાદ કરી હતી અને તેમના પ્રદાન વિશે વાત હતી. તેમણે આંગણવાડી તેમજ તેડાગર બહેનો દ્રારા છેક છેવાડાના વિસ્તારમાં પણ કોરોના સમયે કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જ્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે પા પા પગલી પ્રોજેક્ટનો પ્રારંભ કરવાની છે ત્યારે આંગણવાડી તેમજ તેડાગર બહેનો ઉપર મોટી જવાબદારી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ મહિલા દિવસ ઉજવણીની પ્રાસંગિકતા વિશે વાત કરતા જણાવ્યું કે, મહિલાઓના હકો-અધિકારો તેમજ સમાન સ્વંત્રતા મળે એ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર પણ મહિલાઓના સામાજિક આર્થિક વિકાસ માટે કટીબદ્ધતા સાથે કામ કરી રહી છે. રાજ્ય સરકારની વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ થકી મહિલાઓ ઉન્નતિના નવા શિખર સર કરી રહી છે. મહિલાઓએ અત્યારે દરેક ક્ષેત્રમાં પોતાનું સામર્થ્ય સિદ્ધ કર્યું છે. મહિલાઓ સર્વાગી વિકાસ સાધી શકે તે માટેનું અનુકુળ વાતાવરણ સરકાર દ્વારા ઉભું કરાયું છે ત્યારે મહિલાઓ વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહી છે.
કાર્યક્રમમાં આંગણવાડી તેડાગર બહેનોનું માતા યશોદા એવોર્ડથી સન્માન કરાયું હતું. ઉપરાંત રાજ્ય કક્ષાએ યોજાયેલા કાર્યક્રમ સાથે પણ વર્ચ્યુલ માધ્યમથી ઉપસ્થિતો જોડાઈને સહભાગી થયા હતા.
આ વેળાએ કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, દાહોદનાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી પીનલબેન, અગ્રણી શ્રી સરતનભાઈ ચૌહાણ, શ્રી સુધીરભાઈ લાલપુરવાળા, શ્રી જીથરાભાઈ ડામોર, શ્રી પર્વતસિંહ ડામોર સહિત વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, જિલ્લા આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી રમીલાબેન ચૌધરી, દહેજ પ્રતીબંધક અધિકારી શ્રી પી.આર. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.