દાહોદજિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટાડુંગરી ડેમ પર નમામી દેવી નર્મદે કાર્યક્રમ યોજાશે
તા.૧૬-૦૯-૨૦૧૯
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ તેના ઇતિહાસમાં પ્રથમ વખત ૧૩૮ ફૂટ ભરાવાના અવસરની પાટાડુંગરી ડેમ ઉપર ઉજવણી
દાહોદ
આ ચોમાસામાં વરુણદેવની કૃપાથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ તેના ઇતિહાસમાં પ્રથમ વખત ૧૩૮ ફૂટ સુધી ભરાવાના આનંદપ્રદ પ્રસંગની સમગ્રની સાથે દાહોદમાં ઉજવણી કરવામાં આવનાર છે. તા. ૧૭-૯-૨૦૧૯ના રોજ અહીંના પાટાડુંગરી ડેમ ખાતે આ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નમામી દેવી નર્મદે કાર્યક્રમ યોજાનાર છે. જેમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રીમતી ભાવનાબેન દવે ઉપસ્થિત રહેવાના છે.
ગુજરાતની તરસી ધરાને તૃપ્ત કરતી નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમ પ્રથમ વખત સંપૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો છે. મા નર્મદાના આ પાણીથી સમગ્ર ગુજરાતની ધરતી અને પશુમાનવ તૃપ્ત થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ષ ૨૦૧૪માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા તે બાદ માત્ર ૧૪ દિવસના સમયગાળામાં જ નર્મદા ડેમ ઉપર દરવાજા મૂકવાની મંજૂરી આપી હતી. તેમના સક્ષમ અને નિર્ણાયક નેતૃત્વના પરિણામે મૂકાયેલા અને વરુણદેવની કૃપાથી આ વર્ષે પ્રથમ વખત જ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. આ ઐતિહાસિક ઘડીની ઉજવણી કરવી ઘટે.
તદ્દાનુસાર, દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ડેમ ખાતે તા. ૧૭ના રોજ નમામી દેવી નર્મદે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની સવારના ૯ વાગ્યાના પ્રારંભે ડેમ ઉપર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. તેમાં સૌ મહાનુભાવો સહિત ગ્રામજનો ભાગ લેશે. તે બાદ ઉક્ત મહાનુભાવ સમેત પદાધિકારીઓ તથા અધિકારીઓ પાટા ડુંગરી ડેમ ઉપર જઇ જળના વધામણા કરશે. તત્પશ્ચાત જાહેરસભા યોજાવાની છે. ઉપસ્થિત સૌ કોઇને પ્રસાદસ્વરૂપે મેઘલાડુનું વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે પ્રાંત અધિકારી શ્રી તેજસ પરમારની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. તેમણે નમામી દેવી નર્મદે કાર્યક્રમના સુંદર આયોજન કરવા જરૂરી સુચના આપી હતી.
આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દર્શન