દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૮ માર્ચથી ૧૨ એપ્રીલ દરમ્યાન યોજાનારી ધોરણ ૧૦ – ૧૨ ની પરીક્ષાઓ સુચારૂરીતે યોજાય તે માટે બેઠક યોજાઇ : જિલ્લાનાં ૫૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ ૧૦ – ૧૨ની પરીક્ષા યોજાશે, ૫૩૯૩૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પરીક્ષા શાંત માહોલમાં અને પારદર્શક રીતે યોજવા માટે વહીવટી તંત્ર સજ્જ
દાહોદ તા. ૧૦
દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ માટેની પરીક્ષાના આયોજન બાબતે જિલ્લા સેવા સદન દાહોદ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ પરીક્ષા આગામી તા. ૨૮ માર્ચથી ૧૨ એપ્રીલ દરમ્યાન જિલ્લાના ૫૫ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે. જેમાં જિલ્લાના ધોરણ ૧૦ નાં ૩૬૨૧૦ તેમજ ધોરણ ૧૨ નાં સામાન્ય પ્રવાહના ૧૫૦૬૦ તેમજ વિજ્ઞાન પ્રવાહના ૨૬૬૭ વિદ્યાર્થીઓ એમ કુલ ૫૩૯૩૭ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એમ જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવેએ માહિતી આપતા જણાવ્યું હતું.
જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ તમામ કેન્દ્રો પર શાંત માહોલમાં યોજાય તે માટેની તમામ સજ્જતા રાખવામાં આવી છે. સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો ઉપર આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. પરીક્ષા પારદર્શક રીતે યોજાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની અસુવિધા ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. બેઠકમાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.