દાહોદ જિલ્લામાં ડીજે, માઇક, લાઉડસ્પીકર વગાડનારે નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે : નિયમોનો ભંગ કરનારના વાહન, માઇક કે ડીજે સિસ્ટમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરાશે
દાહોદ તા. ૧૧
દાહોદ જિલ્લામાં માર્ચ – એપ્રીલ મહિનામાં યોજાનારી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે તેમજ અવાજના પ્રદુષણ સંદર્ભે જિલ્લામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના નિર્દેશો તેમજ નોઇસ પોલ્યુશન રૂલ્સની જોગવાઇઓનું ચુસ્ત પાલન થાય એ માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ ગત તા. ૧૦ માર્ચથી આગામી બે માસ સુધી જાહેરનામા દ્વારા વિવિધ પ્રતિબંધિત આદેશો કર્યા છે.
તદ્દઅનુસાર, સરકારી કચેરીઓ, હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે. આ વિસ્તારની આસપાસ માઇક, લાઉડસ્પીકર કે ડીજે સીસ્ટમ વગાડી શકાશે નહી. એકબીજા પ્રત્યે કે કોમી લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો, ગાયનોનો ઉપયોગ કરી શકાશે નહી. જાહેરમાર્ગ પર રોકાઇને નાચગાન ગરબા થકી ટ્રાફિકના નિયમોનો ભંગ ન થવો જોઇએ. ડીજે સીસ્ટમ વગાડનારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે નિયમોનો ભંગ ન થાય.
ડીજે સીસ્ટમના માલીક કે આ સીસ્ટમ ભાડે આપનારે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે. માઇક સીસ્ટમ કે ડીજે વગાડનારે જે તે વિસ્તારના મામલતદારશ્રીની કચેરી ખાતેથી ૭ દિવસ અગાઉ મંજૂરી લેવાની રહેશે. વરઘોડો, રેલી, ધાર્મિક, રાજકીય કે સામાજિક શોભાયાત્રાઓના સમય દરમ્યાન ઉક્ત નિયમોનો ભંગ થશે તો પરવાનગી લેનારની સંપૂર્ણ જવાબદારી રહેશે. માઇક સીસ્ટમ કે અન્ય વાંજિત્રનો ઉપયોગ સવારના ૬ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી જ કરી શકાશે. મંદિરો, ચર્ચ, મસ્જિદોમાં માઇક સિસ્ટમ-વાજિંત્રનો અવાજ નિયત ડેસીબલ મુજબનો હોવો જોઇએ. ઉક્ત નિયમોનો ભંગ કરનારના વાહન, માઇક કે ડીજે સિસ્ટમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
અવાજ પ્રદૂષણ અટકાવવા આ મુજબના નિયમો લાગુ કરાયા છે. જેમા ઔદ્યોગિક વિસ્તારમાં દિવસે ૭૫ ડેસીબલ અને રાતે ૭૦ ડેસિબલ, કોર્મસીયલ વિસ્તારમાં દિવસે ૬૫ ડેસીબલ અને રાતે ૫૫ ડેસિબલ, રેસીડન્સ વિસ્તારમાં દિવસે ૫૫ ડેસિબલ અને રાતે ૪૫ ડેસીબલ, સાયલન્સ ઝોન કે શાંત વિસ્તારમાં દિવસે ૫૦ ડેસિબલ અને રાતે ૪૦ ડેસિબલની મર્યાદા રહેશે. દિવસનો અર્થ સવારના ૬ થી રાતના ૧૦ સુધી ગણાશે. તેમજ રાતનો સમય રાતના ૧૦ થી સવારના ૬ સુધીનો ગણાશે.