દાહોદ જિલ્લામાં ત્રણ નગરપાલિકા સહિત કુલ ૨૩ સ્થળોએ માં નમામી દેવી નર્મદે કાર્યક્રમ યોજાયો
દાહોદના પાટાડુંગરી ખાતે વિધિ વિધાન
સાથે જળશક્તિનું થયું પૂજન
ઉપાધ્યક્ષ શ્રીમતી ભાવનાબેન દવે અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાંભોરની વિશેષ ઉપસ્થિતિ
પાંચવાડામાં સફાઇ અભિયાન હાથ ધરાયું, ડેમ સાઇટ ખાતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ
દાહોદ જિલ્લામાં ત્રણ નગરપાલિકા સહિત કુલ ૨૩ સ્થળોએ નમામી દેવી નર્મદે કાર્યક્રમ સંપન્ન
દાહોદ નજીક ગરબાડા તાલુકામાં આવેલા પાટાડુંગરી ડેમ ખાતે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલા નમામી દેવી નર્મદે કાર્યક્રમમાં ઉપસ્થિત જનશક્તિએ નર્મદા ડેમ ૧૩૮ મિટરે સંપૂર્ણ ભરાવાના ઐતિહાસિક અવસરને વધાવી લીધો હતો. ગુજરાતની સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલનારી મા નર્મદાએ વરસાવેલી કૃપા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા જળપૂજન-નદીપૂજનની વિધિ આસ્થાભેર કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં ત્રણ નગરપાલિકા સહિત કુલ ૨૩ સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો.
આ વેળાએ ઉપસ્થિત વિશ્વવિદ્યાલય ગ્રંથ નિર્માણ એકમના ઉપાધ્યક્ષ શ્રીમતી ભાવનાબેન દવેએ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઇ પટેલે જોયેલું નર્મદા ડેમનું સપનું ૭૧ વર્ષ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂરૂ કર્યું છે. વર્ષ ૧૯૬૦માં પંજાબમાં ભાંખરા નાગલ અને ગુજરાતમાં નર્મદા ડેમનું કામ એક સાથે શરૂ થયું હતું. પંજાબમાં ડેમ બની ગયો અને ગુજરાતમાં નર્મદા ડેમનું કામ પૂર્ણ થવામાં અનેક પ્રકારની અડચણો આવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોદીએ આવી અડચણો સામે ઉપવાસ ઉપર પણ બેઠા હતા. તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા તે બાદ તુરંત જ નર્મદા ડેમ ઉપર દરવાજા મૂકવાની મંજૂરી આપી દીધી અને આજે વરુણ દેવની કૃપાથી ડેમ પૂર્ણકક્ષાએ ભરાઇ ગયો છે.
તેમણે ઉમેર્યું કે, મા નર્મદાના પાણીથી ગુજરાતના તરસ્યા લોકોની પ્યાસ બૂઝાય છે. મરુભૂમિ કચ્છની ધરતીને પણ સૌની યોજનાના માધ્યમથી નર્મદાના પાણી નવપલ્લવિત કરે છે તો સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતની ધરા સંતૃપ્ત થાય છે. આમ, નર્મદા ડેમ આપણી જીવાદોરી સમાન છે.
તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના કાશ્મીરમાંથી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫એ ઉઠાવી લેવાના નિર્ણયની ભરપૂર પ્રશંસા કરી હતી અને પોતાના કાશ્મીરના પ્રવાસના અનુભવો જણાવ્યા હતા.
શ્રીમતી દવેએ એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નારીશક્તિના સર્વાંગી ઉત્થાન માટે સતત કાર્યશીલ છે. એટલે જ વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાંભોરે કહ્યું કે, આગામી ડિસેમ્બર સુધીમાં રૂ. ૧૩૯૫ કરોડની કડાણા ડેમ આધારિત અને રૂ. ૮૯૦ કરોડની હાફેશ્વર ડેમ આધારિત પાણી પુરવઠાની યોજના કાર્યરત થઇ જતાં દાહોદ જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન સંપૂર્ણ હલ થઇ જશે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા દાહોદને મળેલા યોજનાકીય લાભોની વિગતો પણ આપી હતી.
કાર્યક્રમ પૂર્વે મહાનુભાવોએ પાંચવાડા ગામે સફાઇ અભિયાનમાં ભાગ લીધો હતો અને બાદમાં ડેમ સાઇટ ઉપર જઇ જળપૂજન વિધિ કરી હતી. વિધિ બાદ શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૬૯ના જન્મદિનના ઉપલક્ષ્યમાં ૬૯ તિરંગા બલૂન હવામાં ઉડાડવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જળશક્તિના પૂજન નિમિત્તે મેઘલાડુનું પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ધારાસભ્ય શ્રી વજુભાઇ પણદા અને શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી, અગ્રણી શ્રી શંકરભાઇ અમલીયાર, શ્રી અભિષેકભાઇ મેડા, શ્રીમતી રમીલાબેન, શ્રી અજીતભાઇ રાઠોડ, પ્રભારી સચિવ શ્રીમતી સોનલ મિશ્રા, કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રુચિત રાજ, પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે તથા પ્રાંત અધિકારી શ્રી તેજસ પરમાર સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.