દાહોદ જિલ્લામાં આજથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના રસીકરણનો પ્રારંભ : જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના ૧.૪૦ લાખથી વધુ બાળકોને સ્વદેશી કોર્બેવેક્સ વેક્સીન અપાશે


દાહોદ તા.૧૬

રાજ્યમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ આ ઉંમરના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં ૧.૪૦ લાખ જેટલા ૧૨ થી ૧૪ વર્ષના ઉંમરના બાળકોને વેક્સિન આપવામાં આવશે. કોરોના રસીકરણના પ્રથમ દિવસે બાળકોએ વેક્સિન લેવા માટે ઉત્સાહ દર્શાવ્યો છે.
કોરોનાની ત્રીજી લહેર શમી રહી છે તેનું મહત્વનું કારણ કોરોનાની વેક્સિન છે. જિલ્લામાં આજથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના સામે રક્ષણ માટે કોર્બેવેક્સ વેક્સીન અપાઇ રહી છે. સ્વદેશી કોર્બેવેક્સ વેક્સિનના પ્રથમ ડોઝના રસીકરણ બાદ ૨૮ દિવસના અંતરાલ પછી બીજો ડોઝ લેવાનો રહે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ખૂબ જ ટૂંકા ગાળામાં દેશના વૈજ્ઞાનિકોએ સ્વદેશી વેક્સિન બનાવી તેમાં પણ બાળકો માટે ગણતરીના મહિનાઓમાં વેક્સિન ઉપલબ્ધ કરાવી છે.
જિલ્લામાં ૧.૪૦ લાખ જેટલા બાળકોને તબક્કાવાર વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ દરેક શાળામાં આરોગ્યની ટીમ દ્વારા વેક્સિન આપવામાં આવશે. આજના પ્રથમ દિવસે શાળાઓમાં આરોગ્યની ટીમ દ્વારા કોરોનાની વેક્સિન અપાઇ રહી છે ત્યારે બાળકોએ ખાસ્સો ઉત્સાહ દર્શાવ્યો છે.
દાહોદ નગરની બુરહાની શાળા ખાતે આરોગ્યની ટીમ દ્વારા ૧૨ થી ૧૪ વર્ષના બાળકો માટે વેક્સિન કેમ્પ લગાવાયો છે. જયાં બપોર સુધીમાં જ ૮૯ થી વધુ બાળકોએ વેક્સિન લઇ લીધી છે. અહીં અભ્યાસ કરતી ૧૨ વર્ષની ઝહેરા રાનાપુર જણાવે છે કે, હું સાતમા ધોરણમાં અભ્યાસ કરૂં છું અને આજે મેં શાળામાં વેક્સિન લીધી છે. આ વેક્સિન લીધા પછી મને સારૂ લાગી રહ્યું છે. સરકારે અમારા વયજુથમાં વેક્સિન આપવાની શરૂઆત કરીને અમને કોરોનાના ડરથી મુક્ત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: