દાહોદ જિલ્લા પોલીસનો બૂટલેગરો પર સપાટો પાંચ જુદી-જુદી જગ્યાએ પ્રોહી રેડ

દાહોદ જિલ્લા પોલીસે હોળીના તહેવાર દરમિયાન પોલીસે પાંચ જુદી જુદી જગ્યાએથી 2,77,860 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડયા છે . જ્યારે અન્ય ચાર ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થયા છે . પોલીસે પ્રોહીના ઉપરોક્ત બનાવોમાં વિદેશી દારૂનો જથ્થો , ફોરવીલ ગાડીઓ , મોબાઇલ ફોન મળી કુલ 9,83360 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ કુલ ૧૦ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરતા બુટલેગર તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રોહીનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના ચંદલા ગામે બનવા પામ્યો છે જેમાં મધ્યપ્રદેશ તરફથી GJ – 17 – BN – 5011 નંબરની સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આવતો ઈસમ રસ્તામાં ચંદલા ગામે વરઝર જવાના રસ્તે પોલીસની નાકાબંધી જોઈ રાત્રિના અંધારામાં સ્કોર્પિયો ગાડી સાઈડમાં મુકી ભાગી ગયો હતો . ત્યારબાદ પોલીસે ફોરવીલ ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 36,000 કિંમતની બિયરની 360 બોટલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ત્રણ લાખ રૂપિયાનીસ્કોર્પિયો ગાડી મળી 3,36,000 નો મુદ્દામાલ કબજે કરી દેશી દારૂની હેરફેરમાં સામેલ બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ ફતેપુરા તાલુકાના વડવાસ ગામે બનવા પામ્યો છે . જેમાં દાહોદ શહેરના સુખદેવ કાકા હરિજનવાસ નો રહેવાસી સંતોષભાઈ સોમાભાઈ ચૌહાણ તેમજ ફળવા સરકારી દારૂની દુકાન નો માલિક રાજેન્દ્રભાઈ મંગુલાલ કલાલ રહે . નવાગામ રાજસ્થાન પોતાના કબ્જાની GJ – 20 – AH – 9297 નંબરની ઇકો ગાડીમાં હાર્દિક નામના વ્યક્તિ પાસેથી દારૂનો જથ્થો ભરી ફતેપુરા તરફ આવી રહ્યા હતા.તે સમયે રસ્તામાં વડવાસ ગામે ઉડાવેલા ફળિયામાં પોલીસે વોચ દરમિયાન ઈકો ગાડીને રોકતા રાજેન્દ્રભાઈ મંગુલાલ કલાલ પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો જ્યારે પોલીસે સંતોષ સોમાભાઈ ચૌહાણ ને ઝડપી પાડી ઈકો ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 21 પેટીઓમાં 85,680 કિંમતની 1008 બોટલો મળી આવતા પોલીસે પોલીસે વિદેશી દારૂનો જથ્થો , 3000 કિંમત નો મોબાઇલ ફોન તેમજ 3 લાખની ઇકો ગાડી મળી કુલ 3,88,680 ના મુદ્દામાલ સાથે પકડાયેલ સંતોષ ભાઈ ચૌહાણને જેલભેગો કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ કુલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજો બનાવ ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા ગામે બનવા પામ્યો છે જેમાં રાજસ્થાનના બાસવાડા સજ્જનગઢ તાલુકાના ગોયકા બારીયા ફળિયાના રહેવાસી અનિલભાઈ મનોજભાઈ બારીયા તેમજ બસીલભાઈ અમારાભાઈ બારીયા પોતાના કબ્જાની Gj – 17 – AH 2703 નંબરની ઇન્ડિકા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઝાલોદ તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ઠુંઠી કંકાસીયા ગામે અનાસ નદીના પુલ પાસે વોચમાં ઊભેલી ઝાલોદ પોલીસે ગાડી ને ઉભી રાખતા ગાડીમાં બેઠેલા અનિલભાઈ મનોજભાઈ બારીયા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા . જયારે પોલીસે બસીલભાઈ અમારાભાઈ બારીયાને ઝડપી ગાડીની તલાશી લેતા તેમાંથી બિયરની 8 પેટીઓ , જુદા – જુદા માર્કની દારૂ – બિયર 288 બોટલો મળી 28,800 વિદેશી દારૂનો જથ્થો તેમજ એક લાખ રૂપિયાની ફોર વહીલ ગાડી મળી 1,31,300 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ચાર ઈસમો વિરૂધ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો ચોથો બનાવ દેવગઢ બારિયા તાલુકાના નાના કેલીયા ગામે બનવા પામ્યો છે . જેમાં પોલીસે નિશાળ ફળિયામાં રહેતા ગુલાબભાઈ પ્રતાપભાઈ પટેલના રહેણાંક મકાનમાં દરોડો પાડતા દરોડા દરમિયાન ગુલાબભાઈ પટેલ ઘરે હાજર ન મળતા પોલીસે મકાનની તાલાશી લેતા તેમાંથી તેમજ ખુલ્લા ખેતર માંથી પ્લાસ્ટિકના ક્વાટરરીયા તેમજ કાચના ક્વાટરીયાની 240 બોટલો મળી 34,320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ગુલાબભાઈ પ્રતાપભાઈ બારીયા વિરુદ્ધ પ્રોહીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો પાંચમો બનાવો લીમખેડા તાલુકાના વિસલંગા ગામે બનવા પામ્યો છે.જેમા ઘાટા ફળિયાના રહેવાસી દેસીંગભાઇ ખાતીયાભાઈ મેડાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડતા દરોડા દરમિયાન દેસીંગભાઈ મેડા ઘરે હાજર ન મળતા પોલીસે તલાસી લેતા મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 20 પેટીઓમાં 852 બોટલો મળી 93,060 ના મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ દેસીંગભાઇ ખાતીયાભાઈ મેડા વિરૂદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: