દાહોદ શહેરમાં ચોવીસે કલાક ધમધમતા એવા નગરપાલિકાના સામેના રોડ ઉપર પેસેન્જર ભરેલ ખાનગી બસ ઉપર વીજ પોલ પડી જતાં ૩૫ મુસાફરોનો આબાદ બચાવ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દાહોદ શહેરની નગરપાલિકાની સામે જાહેર રસ્તા પરથી પસાર થઈ રહેલ એક પેસેન્જર ભરેલ ખાનગી ટ્રાવેલ્સ ઉપર રસ્તાની બાજુમા આવેલ એક વીજ પોલ જાેતજાેતામાં ધરાશાઈ થઈ જતાં બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સદ્નસીબે બસમાં સવાર ૩૫ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને તમામ મુસાફરોને હેમખેમ બસની બહાર કાઢવામાં આવ્યાં હતાં.
દાહોદ શહેરમાં આજરોજ વહેલી સવારે ચકચારી બનાવને પગલે શહેર સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો હતો. ચોવીસે કલાક વાહન ચાલકો, રાહદારીઓથી ધમધમતો અને શહેરની વચ્ચે આવેલ નગર પાલિકાની સામેના માર્ગ ઉપર એક મુસાફર ભરેલ ખાનગી બસ પસાર થઈ રહી હતી તે સમયે રસ્તાની બાજુમાં આવેલ એક વીજ પોલ જાેતજાેતામાં ધરાશાઈ થતાં પેસેન્જર ભરેલ ખાનગી બસ ઉપર આ વીજ પડતાની સાથે બસનો ઉપરના ઉપરના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને બસમાં સવાર ૩૫ જેટલા મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યાં હતા. સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ ચાલુ વીજ પોલ ધરાશાઈ થતાં વીજપુરવઠો ખોરવાયો હતો. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ સહિત એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને થતાં તમામ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. આ ખાનગી બસ દાહોદથી ઈન્દૌર જતી હતી. આ ઘટનાને પગલે સ્થાનીકોના જણાવ્યાં અનુસાર, આ વીજ પોલ ઘણા સમયથી ઝુકી ગયેલો હતો. વહેલી સવારની આ ઘટનાને પગલે મોટી દુર્ઘટના બનતી અટકી હતી જાે બપોરના સમયગાળા દરમ્યાન આ ઘટના બનતી તો મોટી દુર્ઘટના સર્જાતી કારણ કે, બપોર બાદ આ વિસ્તારમાં અવર જવર વધુ રહેતી હોય છે.