દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સરસવાપૂર્વ ગામે એક પલ ગાડીના ચાલકે મોટરસાયકલને અડફેટમાં લેતાં મોટરસાઇકલ ચાલકનું મોત નીપજ્યું
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના સરસવાપુર્વ ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક મોટરસાઈકલના અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર બે પૈકી એકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા. ૨૧મી એપ્રિલના રોજ એક તુફાન ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ સરસવાપુર્વ ગામે ડિંડોર ફળિયામાં રહેતાં માનસીંગભાઈ ડિંડોરની મોટરસાઈકલને અડફેટમાં લેતાં માનસીંગભાઈ તેમની સાથેના બીજા એક વ્યક્તિ મળી બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાયા હતાં જેને પગલે માનસીંગભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે સરસવાપુર્વ ગામે ડિંડોર ફળિયામાં રહેતાં દિનેશભાઈ માનસીંગભાઈ ડિંડોરે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

