દાહોદમાં તા. ૩૦ એપ્રિલ થી તા. ૨ મે સુધી દિવ્યાંગો માટેના ખાસ ખેલ મહાકુંભનો સીટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે પ્રારંભ
દાહોદ તા. ૧
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ યોજવામાં આવે છે. દાહોદ જિલ્લામાં પણ તા. ૩૦ એપ્રિલ થી આગામી તા. ૨ મે સુધી દિવ્યાંગો માટેના ખાસ ખેલ મહાકુંભનો સીટી ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાયો છે. દિવ્યાંગો માટેના આ ખેલ મહાકુંભમાં માનસિક તેમજ શારીરિક રીતે પડકારોનો સામનો કરી રહેલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત તેમજ જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલ મહાકુંભ-૨૦૨૨ માં મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઈ રહયાં છે. ત્યારે દાહોદ ખાતે સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૨ દિવ્યાંગ- પ્રજ્ઞાચક્ષુ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાનો પણ આરંભ આજે કરાયો છે. સીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં બ્લાઈન્ડ વેલફેર સંસ્થાનો પણ સહયોગ લેવાયો છે. આ નિમિત્તે શ્રી યુસુફ કાપડિયા પણ ઉપસ્થિત રહયાં હતા અને પ્રેરક સંદેશો આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિરલ ચૌધરીએ જણાવ્યું કે, સ્પે.ખેલમહાકુંભ ૨૦૨૨ (દિવ્યાંગ) માનસિક પડકાર ધરાવતા તથા શ્રવણમંદ સહિતના દિવ્યાગો માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાનો આજથી આરંભ સિટી ગ્રાઉન્ડ ખાતેથી કરાયો છે. જેમાં સ્પર્ધા સ્થળ પર ઓફ લાઈન રજીસ્ટ્રેશન કરી દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઇ શકે તેવી સુવિધા પણ કરવામાં આવી છે. ખેલમહાકુંભમાં જુદી જુદી કક્ષાની સ્પર્ધામાં ૦૧ થી ૦૩ ક્રમ મેળવનાર ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
આ પ્રસંગે દાહોદ જિલ્લા વ્યાયામસંઘના પ્રમુખ શ્રી નીલકંઠ ઠક્કર, બેડમિન્ટન એશોસિયન સેક્ટરી શ્રી વસંતભાઇ , સ્પેશ્યલ દિવ્યાંગ ખેલ મહાકુંભ સ્પર્ધાના કન્વીનર શ્રી વિરેન્દ્રભાઈ,પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી, અશોક પટેલિયા અને ભાગ લીધેલ દિવ્યાંગ ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.