દાહોદ તાલુકાના રળીયાતી ગામે ઈંટોના ભઠ્ઠા પર મહિલા સહિત ૨૭ ઈસમોના ટોળાનું ધિંગાણું : ચાર જણાને ઈજા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૨
દાહોદ તાલુકાના રળીયાતી ગામે મહિલા સહિત ૨૭ ઈસમોના ટોળાએ અગાઉના ઝઘડાની અદાવત રાખી એક ઈંટોના ભઠ્ઠા તરફ હાથમાં મારક હથિયારો સાથે ઘસી આવી ઈંટોના ભઠ્ઠા પર કામકાજ કરી રહેલા ૪ વ્યક્તિઓને હથિયારો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ઓફિસમાં સરસામાનની તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.૦૧ મે ના રોજ રળીયાતી ગામે સાંગા ફળિયામાં રહેતાં રામુભાઈ માવી, પરસુભાઈ હુમલાભાઈ માવી તથા તેમની સાથે મહિલા સહિત ૨૭ ઈસમોના ટોળાએ હાથમાં મારક હથિયારો જેવા કે લોખંડની પાઈપ, લાકડીઓ વિગેરે હાથમાં લઈ ગામમાં આવેલ એક ઈંટોના ભઠ્ઠા તરફ ઘસી આવ્યાં હતાં અને અગાઉના ઝઘડાની અદાવત રાખી ઈંટોના ભઠ્ઠામાં કામકાજ કરી રહેલ જુલ કર્ણીન, ગોરસીંગભાઈ દુધાભાઈ ભુરીયા, ઝેરફાના નાદીરમીયા અંસારી અને સંજયભાઈ બીજીયાભાઈ પરમારને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી ઓફિસમાં ટોળુ ઘુસી જઈ ઓફિસના સરસામાનની તોડફોડ કરી પુરાવાના નાશ કરવા માટે ઓફિસમાં લાગેલ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવી ટોળુ નાસી જતાં આ સંબંધે ગામમાં રહેતાં બીપીનભાઈ ઉર્ફે પિન્ટુભાઈ સંગાડીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

