સીકલસેલ એનીમીયાની ગંભીર બિમારી : સગર્ભાવસ્થાના પ્રારંભમાં જ માતાએ ચેક અપ કરાવવું જરૂરી : ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ૮૫ લાખની વસ્તીએ ૧૦ ટકાને સીકલસેલ તેમજ ૭૦ હજારથી વધુને ગંભીર સીકલસેલ
દાહોદનાં પ્રિયકાંબેનને સગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં સિકલસેલ ક્રાઇસીસમાંથી સિમ્પલ પાર્શીયલ મેન્યુઅલ બ્લડ એક્સચેન્જ થેરેપી દ્વારા બચાવી લેવાયા
દાહોદ તા.૦૬
ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ૮૫ લાખની વસ્તીએ ૧૦ ટકાને સીકલસેલ એનીમીયા તેમજ ૭૦ હજાર જેટલા લોકોને ગંભીર સીકલસેલ એનીમીયા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ગત મહિને દાહોદ ખાતેના આદિજાતિ મહાસંમેલન કાર્યક્રમમાં આદિજાતિ વિસ્તારોમાં આ રોગની ગંભીરતા વિશે વાત કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા આ બિમારી સામે લડવા માટે વૈજ્ઞાનિક સંશોધનો કરાઇ રહ્યાં હોવા વિશે જણાવ્યું હતું.
માતાને પ્રસૃતિ પહેલા કરવામાં આવતા મહત્વપૂર્ણ ચેકઅપથી માતા બાળકને ઘણા મોટા રોગ તેમજ ગંભીર સમસ્યાઓથી બચાવી શકાય છે. સીકલસેલ ડિસીઝ માટે પણ દરેક માતાએ અગાઉથી નિદાન કરાવી લેવું જોઇએ. કારણ કે આ રોગ માતાબાળક બન્ને માટે પ્રાણઘાતક બની શકે છે.
સિકલસેલનો રોગ છે જિનેટીક પરંતુ આદિજાતિ વિસ્તારોમાં આ રોગનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. ખાસ કરીને સગર્ભા માતા માટે આ રોગ જીવલેણ પણ બની શકે છે. દાહોદની પડવાલ વુમન્સ હોસ્પીટલના ડો. રાહુલ પડવાલ સીકલસેલ વિશે જણાવતા કહે છે કે, શરીરના અંગો વ્યવસ્થિત કામગીરી કરે તે માટે તેમના સુધી બ્લડ પહોંચવું ખૂબ જરૂરી છે. પરંતુ સિકલસેલમાં બ્લડ સેલ દાંતરડા આકારના બની જાય છે. પરિણામે તે શરીરના અંગોને બ્લડ મળતું બંઘ થાય છે. જે અંગમાં બ્લડ પહોંચતું બંઘ થાય ત્યાં ભયંકર પીડા ઉપડે છે અને તે અંગ ફેઇલ થઇ શકે છે.
પડવાલ હોસ્પીટલ ખાતે જ તાજેતરમાં જ એક સગર્ભા મહિલાની સારવાર કરવામાં આવી છે. જેમાં સીકલસેલ ક્રાઇસીસની ગંભીર સ્થિતિ છતાં માતા બાળકને બચાવી લેવાયા હતા. દાહોદનાં ઉકરડી ખાતે રહેતા પ્રિયકાં ડામોર સગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં અહીંની હોસ્પીટલ ખાતે આવ્યા હતા. જયાં લેબર પેઇન શરૂ થઇ જતા સાથે સીકલસેલ ક્રાઇસીસની સ્થિતિ ઉભી થઇ હતી. એટલે કે પ્રિયકાંબેનના શરીરમાં વિવિધ અંગો સુધી પૂરતા પ્રમાણમાં લોહી પહોંચી નહોતું રહ્યું.
પ્રિયકાંબેનને આખા શરીરમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. ડો. પડવાલે હિમેટોલોજીસ્ટની ટેલીમેડીસીન દ્વારા સલાહ લઇને સિમ્પલ પાર્શીયલ મેન્યુઅલ બ્લડ એક્સચેન્જ થેરેપી દ્વારા સારવાર શરૂ કરી. જેમાં એક તરફથી ફ્રેશ બ્લડ ચઢાવવામાં આવે છે તથા બીજી તરફથી સલાઇન ચઢાવી બ્લડ કાઢી લેવામાં આવે છે. બે બેહોશીના ડોક્ટર, ફીઝીશયન ડોક્ટર સહિતની ટીમ દ્વારા ભારે જહેમત બાદ માતાની સલામત ડીલીવરી કરી શકાઇ અને બાળકને પણ બચાવી શકાયું.
ડો. પડવાલ જણાવે છે કે, સીકલસેલમાં શરીરનું કોઇ પણ અંગ ફેઇલ થઇ શકે છે. કીડની, મગજ, હાર્ટ જેવા મહત્વના અંગો સુધી બ્લડ ના પહોંચે તો તે પણ ફેઇલ થઇ શકે છે. માટે સીકલસેલથી પીડીત મહિલાએ તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત હોય એવા દવાખાનામાં જ દાખલ થવું જોઇએ. તેમજ સગર્ભાવસ્થાના પ્રારંભના સમયે જ આ માટેનો ટેસ્ટ કરાવી સીકલ સેલ સાદો છે કે ભારે છે તે જાણી લેવું જોઇએ. એ ઉપરાંત પતિ-પત્નીના બંનેના રીપોર્ટ પણ કરાવી લેવા જોઇએ. ઉપરાંત સર્ગભા મહિલાએ નવ મહિના દરમિયાન બ્લડ ટ્રાન્સમ્યુઝન કરાવવા પડે. સીકલસેલ વિશે જાગૃકતા લાવવા સરકાર દ્વારા પણ સીકલસેલ એનીમીયા કંટ્રોલ પ્રોગામ ચાલી રહ્યો છે. જેથી લોકો આ ગંભીર બિમારી વિશે જાગૃત બને.