ગાંગરડી ગામે બાઇક સવાર બે યુવકોને માર મારી રોકડ, મોબાઇલની લૂંટ
દાહોદ તા.૦૯
મંડોર ગામના યુવકો રાત્રે દાહોદથી ઘરે જતાં હતા : ખડદા ગામના ત્રણ સહિત ચારે દંડા વડે માર મારી લૂંટ કરી : 23 હજારની મત્તાની લૂંટ કરી મારી નાખવાની ધમકી
દાહોદથી રાત્રે મોટર સાયકલ ઉપર કાકડખીલા જઈ રહેલા બે યુવકોને ગાંગરડી ફળીયા ગામે ચાર જેટલા ઈસમોએ રસ્તામાં રોકી દંડા વડે મારમારી એક મોબાઈલ ફોન તથા 20 હજાર રોકડાની લુંટ કરી મારી નાંખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા.
ધાનપુર તાલુકાના મંડોર ગામના વાઘ ફળિયામાં રહેતા મહેશભાઈ પ્રતાપભાઈ હઠીલા તથા તેના સાઢુ સવસીંગભાઈ નારૂભાઈ હઠીલા તા.7 મેના રોજ રાત્રે મોટર સાયકલ ઉપર દાહોદથી કાકડખીલા ગામે જતા હતા. તે દરમિયાન ધાનપુર તાલુકાના ગાંગરડી ફળીયા ગામે ચીમનકુવા ફળીયામાં રોડ પર હાથમાં દંડા લઈને ઉભેલા ખડદા ગામના પપ્પુભાઈ સંગોડ, સુનીલ હરમલ ભુરીયા, રાજુ સંગોડ તથા અન્ય એક મળી ચાર જણાઓએ મહેશભાઈ હઠીલા તથા સવસીંગભાઈ નારૂભાઈ હઠીલાની બાઇક રસ્તામાં રોકી બંનેને દંડા વડે માર મારી મહેશભાઈ હઠીલા પાસેથી 3 હજારની કિંમતનો મોબાઈલ ફોન તથા સવસીંગભાઈ નારૂભાઈ હઠીલાના ખિસ્સામાં મૂકી રાખેલ રૂા. 20,000 ની રોકડ મળી રૂા. 23,000ની મત્તાની લુંટ કરી બન્નેને મારી નાંખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. આ સંદર્ભે મહેશભાઇ પ્રતાપભાઇ હઠીલાએ ખડદા ગામના ત્રણ સહિત ચાર સામે ધાનપુર પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

