જિલ્લા વહીવટી તંત્રની ઉમદા પહેલ એકલવ્ય પ્રયાસ અંતર્ગત : દાહોદનાં વિદ્યાર્થીઓ નીટ-જેઇઇની પરીક્ષાઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો
વિદ્યાર્થીઓને નીટ-જેઇઇ પાસ કરવા માટેનું માર્ગદર્શન આપતા કલેક્ટર, ડીડીઓ
સેમીનારમાં ઝાયડસ કોલેજના હોનહાર વિદ્યાર્થીઓએ નીટ – જેઇઇ પરીક્ષા પાસ કરવા માટેનું આપ્યું માર્ગદર્શન
દાહોદ તા.૧૫
જિલ્લા વહીવટી તંત્રની ઉમદા પહેલ ‘એકલવ્ય પ્રયાસ’ અંતર્ગત દાહોદનાં વિદ્યાર્થીઓ નીટ-જેઇઇની પરીક્ષાઓના માર્ગદર્શન માટે સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમીનાર યોજાયો હતો. સેમીનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ માર્ગદર્શન આપ્યું હતું. સેમીનારમાં ઝાયડસ કોલેજના હોનહાર વિદ્યાર્થીઓએ પણ નીટ-જેઇઇ પરીક્ષા પાસ કરવા માટેનું માર્ગદર્શન યુવાનોને આપ્યું હતું.
સેમીનારમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદનાં વિદ્યાર્થીઓમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પરીક્ષા અંગેના પોતાના અનુભવો જણાવીને વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું. તેમણે દાહોદનાં વિદ્યાર્થીઓને નીટ-જેઇઇની પરીક્ષા પાસ કરવા માટે કોઇ પણ પ્રકારની મદદની જરૂર હોય તો તે માટે વહીવટી તંત્ર તત્પર હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ આ તકે વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેની કેટલીક મહત્વની બાબતો અંગે વાકેફ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ પુષ્કર મહેનત કરીને આ પરીક્ષા પાસ કરવી જોઇએ. ગામે ગામ દાહોદ જિલ્લાના જ યુવાનો ડોક્ટર બનીને સેવા આપે તે જરૂરી છે.
ઝાયડસ મેડીકલ કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ આ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે તેમને વહીવટી તંત્ર દ્વારા ખાસ આ સેમીનારમાં વકતવ્ય માટે આમંત્રિત કરાયા હતા. જેમાં આઝાબ આયેશા, દિનેશ મેવાડા, શ્રેયાંશ વિરાની, દેવાંશી જોષી, માનસી રામચંદાનીએ સેમીનારમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવા માટે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી અને પોતાના અનુભવો પણ જણાવ્યા હતા.
સેમીનારમાં જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલ દવે સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદનાં તેજસ્વી વિદ્યાર્થીઓ નીટ જેઇઇની પરીક્ષાઓ પાસ કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રની ઉમદા પહેલ ‘એકલવ્ય પ્રયાસ’ અંતર્ગત કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીના પ્રેરણા અને માર્ગદર્શનમાં ગત તા. ૨૮ એપ્રીલ, ૨૦૨૨ થી કલાસીસનો પ્રારંભ કરાયો છે.