દાહોદ જિલ્લામાં મેગા વેક્સિનેશન કેમ્પ અંતર્ગત ૧૬૬ કોવીડ વેક્સિનેશન સેન્ટર ખાતે મોટી સંખ્યામાં લોકોએ લીધી કોવીડ વેક્સિન : સત્વરે વેક્સિન લઇને કોરોના સામે સુરક્ષિત થઇ જવા અપીલ કરતા કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે આજે રવિવારે કોવીડ મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો છે. કોવીડ મેગા વેક્સિનેશન કેમ્પમાં આજે મોટી સંખ્યામાં નાગરિકોએ વેક્સિન લીધી છે. જિલ્લાના ૧૬૬ જેટલા કોવીડ વેક્સિન સેન્ટર ઉપર આ મેગા કેમ્પ યોજાઇ રહ્યો છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ આ મેગા વેક્સિન કેમ્પમાં સૌ વેક્સિન માટે લાયક નાગરિકોને સત્વરે વેક્સિન લઇ લેવા અપીલ કરી છે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજના મેગા કેમ્પ અંતર્ગત ઝાયડસ ખાતેના વેક્સિન સેન્ટર ઉપર પ્રિકોશન ડોઝ લીધો હતો. તેમણે જણાવ્યું કે, કોરોના સામે વેક્સિન એ સર્વોત્તમ ઉપાય છે. સૌ ૧૨ વર્ષથી ઉપરના નાગરિકો જેમણે વેક્સિનના પ્રથમ, બીજો કે ૬૦થી વધુ વયજુથના પ્રીકોશન ડોઝ બાકી હોય તેઓ સત્વરે વેક્સિન લઇ લે અને કોરોના સામે સુરક્ષિત થઇ જાય.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ આજના કોવીડ મેગા વેક્સિનેશન કેમ્પ અંતર્ગત જનઅપીલ કરતા જણાવ્યું કે, હજુ કોરોના ગયો નથી. આપણે સત્વરે કોરોના સામે વેક્સિન લઇને સુરક્ષિત થઇ જવું જોઇએ. જિલ્લાના ૧૨ થી ૧૪ વર્ષના બાળકો માટે પ્રથમ-બીજો ડોઝ, ૧૫ થી ૧૭ વર્ષના બાળકો માટે બીજો ડોઝ, તેમજ હેલ્થ કેર વર્કસ, ફ્રન્ટલાઇન વર્કસ તેમજ ૬૦ વર્ષથી વધુ વયજુથમાં આવતા વ્યક્તિઓ માટે પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરૂ છું.
આ કોવીડ મેગા વેક્સિનેશન કેમ્પમાં કલેક્ટર ડો. ગોસાવી ઝાયડસ ખાતેના વેક્સિનેશન કેમ્પ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રિકોશન ડોઝ લીધો હતો અને નાગરિકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારી દાહોદના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ર સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યાં હતા અને નાગરિકોને વેક્સિન લઇ લેવા જણાવ્યું હતું.