કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રૂ. ૮.૦૯ કરોડના ખર્ચે દાહોદનાં ૨૯૮૦૮ ખેડૂતોને મળશે ખાતર – બિયારણનો લાભ : સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે યોજાયો કાર્યક્રમ, ખેડૂતોને લાભ વિતરણનો પ્રારંભ
દાહોદ તા. ૨૪
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત દાહોદના પંડિત દીનદયાલ સભાગુહ ખાતેથી સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો, અધિકારીશ્રીઓ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના ૨૯૮૦૮ લાભાર્થી ખેડૂતોને રૂ. ૮.૦૯ કરોડના ખર્ચે બિયારણ-ખાતરનો લાભ અપાશે. જેનો આજથી પ્રારંભ કરાયો છે.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨થી અમલમાં આવેલી આ કૃષિ વૈવિધ્યકરણની યોજનામાં દર વર્ષે રૂ. ૩૦ થી ૩૫ કરોડના ખર્ચે અંદાજે ૧ લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. જેમાં દાહોદ જિલ્લાના ૩૫ હજાર ખેડૂતોને ગત વર્ષે લાભ અપાયો હતો. આ યોજના અંતર્ગત અહીંના ખેડૂત લાભાર્થીઓને રૂ. ૨૭૧૫ ના ખાતર બિયારણનો લાભ પ્રાપ્ત થશે. જેમાં ડીએપીની ૫૦ કિલો થેલી, પ્રોમ ૫૦ કિગ્રા ઓર્ગેનિક મેન્યુઅર ૧ થેલી, મકાઇ બિયારણ ૪ કિલોની ૧ થેલી લાભાર્થીને અપાશે. જેમાં લાભાર્થીનો ફાળો રૂ. ૨૫૦ નો રહેશે.
તેમણે ઉમેર્યું કે, સરકારની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને ઓછા ખર્ચે પાક ઉત્પાદન મેળવી શકે અને આવકમાં વધારો થાય એ ઉદ્દેશથી આ યોજનાનો પ્રારંભ કરાયો છે. ખેડૂતોને આ માટે પાક અને બિયારણ અપાઇ છે. દાહોદ જિલ્લાના ૨૯૮૦૮ લાભાર્થી ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રૂ. ૮.૦૯ કરોડના ખર્ચે ખાતર તેમજ બિયારણ અપાશે.
કાર્યક્રમમાં લાભાર્થી ખેડૂતોને મહાનુભાવોને હસ્તે ખાતર-બિયારણનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર શ્રી એસ.જે.પંડ્યાએ સ્વાગત પ્રવચન તેમજ મદદનીશ કમિશ્નરશ્રી વિશ્વદીપસિંહ ગોહિલએ આભાર પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી,એ.પી.એમ.સી ચેરમેન શ્રી કનૈયાલાલ, અગ્રણી શ્રી સુધીરભાઇ લાલપુરવાલા, શ્રી પર્વતસિંહ ડામોર, જીએટીએલના સીઇઓ શ્રી એસ.કે. મિશ્રા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.