દાહોદનો ચકચારી હત્યાનો મામલો : આરોપી સહિત ચાર જણાના ૩૧મી મે સુધીના રિમાન્ડ મંજૂર
દાહોદ તા.૨૫
દાહોદ શહેરનો બહુચર્ચિત એવા મર્ડર કેસમાં મુખ્ય આરોપીના મુસ્તુફાના પોલીસે ૭ દિવસ એટલે કે, ૩૧ મી મેના રોજના રિમાન્ડ મંજુર થયાં હોવાનું તેમજ અન્ય ત્રણ આરોપીઓની પણ પોલીસે ગઈકાલે રાત્રે અટકાયત કરી લીધાં ત્રણ આરોપીઓના પાંચ દિવસ એટલે કે, તારીખ ૩૦મી મેના રોજ સુધીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યાં છે.
દાહોદ શહેરના એમ.જી. રોડ ખાતે ભર બજાર એવા કુકડા ચોક ખાતે યુનુસ અકબરભાઈ કતવારાવાલાને સમી સાંજે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાંખવાની ઘટનાને પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે એક્શનમાં આવેલ પોલીસે ગણતરીના દિવસોમાં આ ગુન્હા પરથી ભેદ ઉકેલી નાંખી આરોપી મુસ્તુફા સાકીર ઉર્ફે બાદશાહ શેખને પોલીસે તેના મામાના ઘરે ગોધરા ખાતેથી ઝડપી પાડી પુછપરછનો ધમધમાટ આરંભ કર્યાેં હતો અને પુછપરછોમાં મૃતક યુનુસની જમીનની લેવડ દેવડ મામલે મોહમંદ ઉર્ફે જુજર ઈસ્માઈલ લોખંડવાલએ રૂા. ૧૦ લાખમાં સોપારી આપી હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે ગતરોજ રાત્રીના સમયે મોહંમદ ઉર્ફે જુજર ઈસ્માઈલ લોખંડવાલા, મોઈન હમીદખાન પઠાણ તથા અન્ય એક આરોપીની તેઓના આશ્રય સ્થાનેથી અટકાયત કરી લીધી હતી અને આજે ચારેય આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં જેમાં હત્યાને અંજામ આપનાર મુસ્તુફાના તારીખ ૩૧મી મે સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં હતાં અને બાકીના ત્રણ આરોપીઓના તારીખ ૩૦મી મેના રોજ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં તમામ આરોપીઓની પોલીસે અટકાત કરી લીધી છે અને રિમાન્ડ પણ મેળવી લીધાં છે ત્યારે રિમાન્ડ દરમ્યાન અનેક સઘળી હકીકતો બહાર આવે તેવી પુરેપુરી શક્યતાઓ જણાઈ રહી છે જેમાં આ હત્યામાં કોઈ અન્ય ઈસમની સંડોવણી છે કે નહીં? કોઈ મોટા માથાની સંડોવણી છે કે નહીં ? વિગેરે જેવી અનેક હકીકતો તો પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે.