દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર : દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણના મોત નીપજ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક પાંચ દિવસના બાળક સહિત ત્રણના મોત નીપજતાં પરિવારરમાં માતમ છવાઈ ગયો હતો.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના વાંદર ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૦મી મેના રોજ એક પેસેન્જર ભરેલ છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી વાંદર ગામે છકડો પલ્ટી ખવડાવી દીધો હતો જેને પગલે અંદર બેઠેલ મગનભાઈ મોહનભાઈ બારીઆ (રહે. વડભેટ, કાચલા ફળિયા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) ના છકડામાંથી ફંગોળાઈ જમીન પટકાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન મગનભાઈનું મોત નીપજતાં સંબંધે વડભેટ ગામે કાચલા ફળિયામાં રહેતાં રમેશભાઈ મગનભાઈ બારીઆએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના દુધીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૧મી મેના રોજ લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે રેલ ફળિયામાં રહેતાં લક્ષ્મણભાઈ વિઠ્ઠલભાઈ વણકર તેમની પત્નિ લક્ષ્મીબેન અને તેમનો નવજાત પાંચ દિવસના બાળકને લઈ એમ ત્રણેય જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ દુધીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક ટેમ્પાના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી લક્ષ્મણભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ત્રણેય જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં લક્ષ્મણભાઈ તથા તેમના પાંચ વર્ષના નવજાત બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે લક્ષ્મીબેનને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ સંબંધે પ્રતાપપુરા ગામે રેલ ફળિયામાં રહેતાં ગુલાબસિંહ વિઠ્ઠલભાઈ વણકરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.